આમોદ નગરપાલિકાની ઘોર બેદરકારી હવે નાગરિકો માટે શારીરિક યાતનાનું કારણ બની રહી છે. છેલ્લા એક વર્ષથી શહેરના જાહેર માર્ગો પર મોત બનીને ઉભેલા ખુલ્લા ખાડાઓએ ગતરોજ એક નિર્દોષ મહિલાનો ભોગ લીધો છે. પાલિકાના અણઘડ વહીવટને કારણે આમોદવાસીઓ હવે પોતાના જ શહેરમાં ચાલતા ડરી રહ્યા છે.
વાવડી ફળિયામાં રહેતા સુખીયાબેન દીવાન ગતરોજ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગેસ એજન્સી દ્વારા ખોદવામાં આવેલા અને લાંબા સમયથી ખુલ્લા રખાયેલા જોખમી ખાડામાં પટકાયા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાનો પગ ફ્રેક્ચર થઈ ગયો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે કરજણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાએ પાલિકાના પ્રી-મોન્સૂન અને રોડ મરામતના દાવાઓની પોલ ખોલી નાખી છે.

સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ ખાડાઓ પૂરવા માટે ગેસ એજન્સી પાસેથી લાખો રૂપિયાની રકમ પાલિકાને ચૂકવવામાં આવી હતી. તેમ છતાં એક વર્ષ વીતવા છતાં ખાડા કેમ યથાવત છે? શું આ નાણાંનો ભ્રષ્ટાચાર થઈ ગયો છે? શહેરમાં માત્ર ખાડા જ નહીં, પણ ખુલ્લી ગટરો અને ભુવાઓ પણ ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે, જે જનતા માટે ‘ડેથ ટ્રેપ’ સમાન છે.
આ ગંભીર મુદ્દે નગરપાલિકાના મુખ્ય અધિકારીએ એવો લૂલો બચાવ કર્યો છે કે પાલિકા પાસે હાલ ગ્રાન્ટ નથી. ખાડાઓ પર અસ્થાયી રીતે શૌચાલયના ઢાંકણ મૂકીને કામ ચલાવવામાં આવશે! આ જવાબ તંત્રની નાદારી અને આયોજનના અભાવની ચાડી ખાય છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે?

