GUJARAT : આમોદ: યુવા કોંગ્રેસી નેતા સામેની ફરિયાદ રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર, ૩૦થી વધુ લોકોની અટકાયત

0
54
meetarticle

આમોદ નગરપાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલી ભૂગર્ભ ગટરો ઉભરાવાની, પાણીની પાઇપલાઇન તૂટવાની, અને ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા ટેમ્પાની અનિયમિતતા જેવી મૂળભૂત સમસ્યાઓથી નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સંજોગોમાં આમોદના વોર્ડ નં.૩ ના વણકરવાસ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી કચરો ઉઘરાવતો ટેમ્પો ન આવતા ગંદકીથી ત્રસ્ત બનેલા યુવા કોંગ્રેસી નેતા કેતન મકવાણાએ પોતાનો વિરોધ નોંધાવવા માટે ઘરનો કચરો આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં ઠાલવી દીધો હતો. આ ઘટનાના પગલે સેનેટરી ઇન્સ્પેક્ટરે યુવા કોંગ્રેસી નેતા કેતન મકવાણા સામે જાનથી મારી નાખવાની ધમકી આપવી અને સરકારી કામમાં અડચણ ઉભી કરવી સહિતની કલમોનો ઉપયોગ કરીને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના વિરોધમાં આમોદ શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર અને નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આજે આમોદ ચોકડી ઉપર આવેદનપત્ર આપવા માટે ૩૦ થી વધુ કોંગ્રેસના કાર્યકરો એકઠા થયા હતા. જેમની પોલીસે અટકાયત કરી હતી. જોકે, બાદમાં કોંગ્રેસના પાંચ આગેવાનોને મામલતદાર કાર્યાલય ખાતે પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી. આ આગેવાનોએ મામલતદાર ડૉ. મયુર વરીયાને આવેદનપત્ર આપ્યું હતું, તેમજ મુખ્ય અધિકારીને પણ આવેદનપત્ર સુપરત કર્યું હતું.

આવેદનપત્રમાં આમોદ નગરમાં કચરો ઉપાડવાની અનિયમિતતાથી નાગરિકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસી કાર્યકર કેતન મકવાણા ઉપર થયેલી એફ.આઈ.આર. રદ કરવા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્ર આપવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, કિંગ મેકર મેહબૂબ કાકુજી, આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોંગ્રેસના આગેવાનો અને નાગરિકોએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાણી, ગટર જેવી મૂળભૂત સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે.
રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here