ઈડર મુકામે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા નવીન મામલતદાર કચેરીના ભવનનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલુ છે. મળતી માહિતી મુજબ આર.સી.સી.નું કામ પૂર્ણ થઈ ગયું છે,

તેમજ ચણતર, પ્લાસ્ટર,
ફ્લોરિંગ, કેમ્પાઉન્ડ વોલ વગેરેના કામ હાલ અમલીકરણ હેઠળ છે વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે આગામી ત્રણથી ચાર મહિનામાં સંપૂર્ણ સુવિધાયુક્ત નવી ઈમારત તૈયાર થઈ જશે. આ સમગ્ર નિર્માણ માટે સરકારે રૂ. ૬૪૬.૨૪ લાખ જેટલા ખર્ચની મંજૂરી આપી છે. હાલમાં ઈડર મામલતદાર કચેરી બજારમાં રોડને અડીને
સ્થિત હોવાથી રોજિંદા આવન જાવન કરતા નાગરિકોને પાર્કિંગની અછત, ભીડ અને ટ્રાફિક જામ જેવી ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરકારી કચેરીમાં કામકાજે આવનાર લોકો ખાસ કરીને પાર્કિંગ માટે ભારે સંકટ અનુભવે છે. નવ નિર્માણ પામતી મામલતદાર કચેરીમાં વિશાળ પાર્કિંગ સ્થળ સાથે
સુવ્યવસ્થિત રોડ અને રાહદારીઓ માટે સુવિધાજનક પ્રવેશદ્વાર, તેમજ ઓફિસ કાર્ય માટે જરૂરી તમામ આધુનિક સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. નવી કચેરી શરૂ થતા લોકોની હાલની મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થશે અને નાગરિકોને સુચારુ સેવાઓ મળી રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
