ઉત્તરાયણ પર્વમાં સર્જાતી સંભવિત ઇમરજન્સી અને અકસ્માતોને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લા ૧૦૮ ઇમરજન્સી સેવા સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે. ૧૪ અને ૧૫ જાન્યુઆરી દરમિયાન જિલ્લામાં ૩૪ એમ્બ્યુલન્સ અને ૧૪૦ કર્મચારીઓનો કાફલો જનતાની સેવા માટે ખડેપગે રહેશે. પાછલા વર્ષોના ડેટાના આધારે તંત્ર દ્વારા આ વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન ઇમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લાની વિગતો મુજબ, સામાન્ય દિવસોમાં સરેરાશ ૯૭ કેસો નોંધાતા હોય છે, પરંતુ ૧૪ જાન્યુઆરીએ ૧૦૦ થી વધુ અને ૧૫ જાન્યુઆરીએ આ આંકડો ૨૧૨ સુધી પહોંચી શકે છે, જે અંદાજે ૨૪.૭૪ ટકાનો વધારો દર્શાવે છે. રાજ્ય સ્તરે પણ ૧૪ જાન્યુઆરીએ ૩૫ ટકા જેટલા કેસ વધવાની સંભાવના છે. ખાસ કરીને પતંગની દોરીથી ગળું કપાવું, ધાબા પરથી પડી જવું, માર્ગ અકસ્માત અને શારીરિક હુમલા જેવી ઇમરજન્સી વધુ જોવા મળે છે. ૧૦૮ એમ્બ્યુલન્સના અધિકારીઓએ નાગરિકોને સાવચેતીપૂર્વક તહેવાર ઉજવવા અપીલ કરી છે અને કોઈ પણ કટોકટીના સમયે વિના સંકોચે ‘૧૦૮’ ડાયલ કરવા જણાવ્યું છે.

