તાજેતરમાં ઉના પંથકના સામતેર ગામમાં ત્રણ સિંહોએ એક ગાયનું મારણ કરીને ભોજન માણ્યું હોવાના અહેવાલથી ગ્રામજનોમાં ભય અને ચિંતા ફેલાઈ છે. આ ઘટના સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ઉના-ભાવનગર રોડ પર આવેલા સામતેર ગામના બસ સ્ટેશન નજીક સિંહોએ એક રેઢિયાળ ગાયનો શિકાર કર્યો હતો.

સિંહોનું મારણ કર્યા બાદ બસ સ્ટેશન રોડ પર બેસીને મિજબાની માણતા દ્રશ્યો ત્યાંથી પસાર થતા વાહનચાલકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. આ ઘટના ફરી એકવાર વન્ય પ્રાણીઓ અને માનવ વસાહતો વચ્ચે વધી રહેલા સંઘર્ષને ઉજાગર કરે છે. ઉના પંથકના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોનો કાયમી વસવાટ હવે સામાન્ય બની ગયો છે, જેના કારણે ગ્રામજનોમાં ડરનો માહોલ છે. આ અંગે વન વિભાગની લાચારી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, વન વિભાગ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. જ્યારે પણ સિંહો માનવ વસાહત તરફ આવે છે, ત્યારે વન વિભાગ તરફથી એક જ જવાબ મળે છે કે સિંહોને ગામડાઓમાં આવતા અટકાવવા અશક્ય છે. વન વિભાગ દ્વારા ફક્ત ગ્રામજનોને વન્ય પ્રાણીઓથી સાવચેત રહેવાની અપીલ કરવામાં આવે છે, જે ગ્રામજનોને અપૂરતી લાગે છે.
આ ઘટનાએ ફરીથી વન વિભાગની કાર્યપદ્ધતિ પર સવાલો ઉભા કર્યા છે. ગ્રામજનો માને છે કે જો આ સમસ્યાનું સમયસર નિરાકરણ નહીં આવે, તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના થવાનો ભય રહેલો છે.
Repoter : કૈલૈશ ભટ્ટ ઉના

