સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર કેન્દ્ર સરકારે કોચિંગ ક્લાસ માટે એક ગાઈડ લાઈન બનાવી છે.જેનો અમલ કરવા માટે ગુજરાત સરકારે એક કમિટિની રચના કરી છે.જોકે આ ગાઈડ લાઈનની કેટલીક જોગવાઈઓ સામે કોચિંગ ક્લાસીસના સંચાલકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

ક્લાસીસના સંચાલકોના સંગઠન બરોડા એકેડેમિક એસોસિએશન દ્વારા આ મુદ્દે કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.સંગઠનનું કહેવું છે કે, ૧૬ વર્ષથી નીચેના બાળકોને ટયુશન નહીં કરાવી શકાય તેવી જોગવાઈથી તો ગુજરાતમાં જ એક લાખ શિક્ષકોની રોજગારી છિનવાઈ જશે.આ એવા શિક્ષકો છે જે નાના પાયે પ્રાથમિક સ્કૂલોના બાળકોને બોલાવીને ભણાવતા હોય છે.સાથે સાથે કેટલીક ગાઈડ લાઈનો પણ વ્યવહારુ નથી.જેમ કે એક મીટર જગ્યામાં એક જ વિદ્યાર્થીને બેસાડવાનો. આવો નિયમ સ્કૂલો માટે નથી તો ટયુશન ક્લાસીસ માટે કેમ? ક્લાસીસનું રજિસ્ટ્રેશન થાય તે સારી વાત છે પણ તેના કોઈ ચોક્કસ ધારા ધોરણો નથી બનાવાયા.સંગઠને માગ કરી હતી કે, જે રીતે એફઆરસીમાં શાળા સંચાલકોના પ્રતિનિધિને સ્થાન અપાયું છે તે રીતે ગાઈડ લાઈનનો અમલ કરવા માટે બનાવાયેલી કમિટિમાં પણ કોચિંગ ક્લાસના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવે.

