કડકડતી ઠંડીની વચ્ચે ઉતરાયણ પર્વ આવી પહોંચ્યું છે. ખાસ કરીને સૂર્ય સંક્રાન્તના દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે, આ અવસરને ઉતરાયણ કહેવામાં આવે છે. સૂર્યને જયોતિષ વિદ્યામાં અયન કહેવામાં આવે છે. સૂર્ય મકરસંક્રાન્તથી દક્ષિણ દિશામાથી ખસતા ખસતા ઉતર દિશા તરફ પ્રયાણ કરે છે જેને ઉતરાયણ કહેવામાં આવે છે. વર્ષ દરમિયાન સૂર્ય બે ગતિ કરે છે એક ઉતરમાં ઉતરાયણ અને બીજી દક્ષિણમાં દક્ષિણાયન થાય છે. સૂર્યને આદિદેવ તરીકે પૂજવામાં આવે છે. એક જમાને પ્રભાસક્ષેત્રમાં ૧૬ સૂર્યમંદિરો હતા. હવે એમાંથી કાળક્રમે પ્રભાસપાટણ, સુત્રાપાડા, ભીમદેવળ અને ઉંબામાં છે. વેદોમાં પણ સૂર્યપૂજાનું મહત્વ ખૂબ જ અંકાયું છે. હાલ જેવી રીતે દેવોના મંદિરો છે એમ સૂર્યના પણ અનેક મંદિરો હતા. જેના જીવતા જાગતા ઉદાહરણો જગન્નાથપુરી નજીક કોણાર્ક સૂર્ય મંદિર અને મોઢેરા સૂર્યમંદિર છે. સૌરાષ્ટ્રમાં સૂરજ દેવળ ખાતે પણ સૂર્યમંદિર છે. આવી જ રીતે હાલના સમયમાં સોમનાથમાં ત્રિવેણી માર્ગ પર સાગરાદિત્ય સૂર્યમંદિર હયાત છે. આવી જ રીતે તાલાળા નજીક ભીમદેવળમાં પર્ણાદિત્ય સૂર્યમંદિર સીમમાં આવેલું છે. આ મંદિર નવમી સદીનું છતવાળુ પ્રવેશદ્વાર ધરાવતું સૂર્યમંદિર છે. જેમાં પ્રવેશદ્વારે સૂર્યપત્ની રજની અને નિશપ્રભાની ઉભેલી પ્રતીમાઓ છે. આ ઉપરાંત ગીરસોમનાથ જિલ્લામાં ઉંબા ગામ પાસે આદિત્ય સૂર્યમંદિર આવેલું છે. આ પૈકી હાલ ત્રિવેણી નદીના કાંઠે સાગરાદિત્ય સૂર્ય મંદિર અને સૂત્રાપાડામાં મુળ સૂર્યમંદિર કંઈક સારી સ્થિતિમાં છે.

અગાઉ પ્રભાસક્ષત્રમાં પ્રાંચીના ગાંગેચા ગામ પાસે , ખોરાસા નજીક મકલ સૂર્યમંદિર, સોમનાથમાં ચિત્રાદિત્ય સૂર્યમંદિર બ્રહ્મકુંડ પાસે જે ભાટિયા ધર્મશાળા પાસે હોવાનું કહેવાય છે, જે હાલ નથી. આ ઉપરાંત પ્રભાસક્ષેત્રમાં રાજભટ્ટાક સૂર્યમંદિર, નાગરાદિત્ય સૂર્યમંદિર, નંદાદિત્ય સૂર્યમંદિર, કંકોટ કાક સૂર્યમંદિર, દુર્વા આદિત્ય સૂર્યમંદિર, બાલાર્ક સૂર્યમંદિર, બકુલાદિત્ય સૂર્યમંદિર નારદાદિય સૂર્યમંદિર અસ્તિત્વમાં હતા.

