છોટાઉદેપુર જિલ્લામાં બ્રિજોની હાલત દયનીય બની ગઈ છે. અનેક સ્થળોએ નદી પરના બ્રિજો જોખમી હાલતમાં હોવા છતાં પણ, તેમના આસપાસ ગેરકાયદેસર રીતે રેતી ખનન ચાલુ જ છે. ખાસ કરીને જેતપુર પાસે આવેલ ઓરસંગ નદીના બ્રિજની બાજુમાં સતત રેતી ઉલેચાઈ રહી છે, જેનાથી બ્રિજની પાયા પર ગંભીર જોખમ ઉભું થયું છે.ચોમાસું પૂરું થતાજ ખનન માફિયાઓ ફરી સક્રિય બની ગયા છે. સરકાર તરફથી દેખરેખના દાવા વચ્ચે પ્રશ્ન એ ઉઠે છે કે – શું ખનિજ વિભાગ આ પ્રવૃત્તિથી અજાણ છે કે પછી જાણ હોવા છતાં ઉદાસીન છે? સ્થાનિક લોકોએ આ મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે કે, જ્યારે ગેરકાયદેસર રેતી ખનનની જાણ ખનિજ વિભાગને થાય છે ત્યારે તરત જ ખનનકારો સુધી માહિતી કેવી રીતે પહોંચે છે? શું કોઈ આંતરિક સગાવાળો તંત્રમાં જ બેઠો છે?ખનીજ માફિયાઓ દ્વારા હિટાચી જેવી ભારે મશીનો રાત્રિના સમયગાળામાં નદીકાંઠે ઉતારવામાં આવે છે,

જે પછી સવારે તે મશીનો અદૃશ્ય થઇ જાય છે. આથી સ્પષ્ટ છે કે આખી ચેઈન કોઈના આશીર્વાદ વગર ચાલતી નથી.તાજેતરમાં પાવી-જેતપુર નજીકની ભારજ નદીનો બ્રિજ તૂટી પડ્યો હતો – જેમાં સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અતિરેક રેતી ખનન પણ એક મુખ્ય કારણ હતું. હવે જો ઓરસંગ નદી પાસેનું ખનન અટકાવવામાં નહીં આવે, તો અન્ય બ્રિજોને પણ નુકસાન થવાની ભીતિ છે.જિલ્લા પ્રજાજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે જિલ્લાના નેતાઓ અને અધિકારીઓ તાત્કાલિક પગલાં લે અને ગેરકાયદેસર ખનન વિરુદ્ધ કડક કાર્યવાહી કરે જેથી આવનારા સમયમાં વધુ બ્રિજ તૂટવાના કિસ્સાઓ ન બને.
લોકોની માગ: ઓરસંગ બ્રિજ આસપાસ તાત્કાલિક રેતી ખનન પર પ્રતિબંધ., ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત તપાસ.,માફિયાઓ સામે ગુનાહિત કાર્યવાહી અને જવાબદાર અધિકારીઓની તપાસ..
રિપોર્ટર. ઈરફાન મકરાણી કદવાલ

