વાગરા તાલુકાના ઓરા ગામ નજીકથી યુવાનોની જાગૃતિ અને સમયસૂચકતાના કારણે અંદાજે 6 ફૂટ લાંબા એક અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અજગર દેખાતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. સાદીક ઇસ્માઇલ, સિકંદર મલેક, ફારૂકસંગ રાજ સહિતના સ્થાનિક યુવાનોએ ભારે જહેમત ઉઠાવીને આ કામગીરી પાર પાડી હતી. તેમણે કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડ્યા વિના અજગરને સુરક્ષિત રીતે પકડ્યો હતો. અજગરના રેસ્ક્યુની આ કામગીરી નિહાળવા માટે ગામના લોકોનું મોટું ટોળું ઉમટી પડ્યું હતું, જે યુવાનોના સાહસ અને જાગૃતિને બિરદાવી રહ્યું હતું. સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા બાદ આ યુવાનોએ તાત્કાલિક વાગરા વન વિભાગને જાણ કરી હતી અને અજગરને વન વિભાગના અધિકારીઓને સોંપી દીધો હતો, જેથી તેને તેના કુદરતી અને સુરક્ષિત રહેઠાણમાં છોડી શકાય. યુવાનો દ્વારા વન્યજીવ સંરક્ષણ માટે કરાયેલી આ સરાહનીય કામગીરી પ્રશંસાને પાત્ર છે.

REPORTER : સૈફ અલી ભટ્ટી વાગરા

