થરાદમાં દારૂ- ડ્રગ્સ મામલે વડગામના ધારાસભ્ય જિજ્ઞોશ મેવાણીએ ઉઠાવેલો અવાજ ગુજરાતભરમાં પહોંચ્યો અને ઠેર ઠેર દારૂ બંધ કરવાની માંગ ઉઠી રહી છે ત્યારે કચ્છના નખત્રાણા તાલુકાના વાલકા નાના ગામે દારૂબંધીનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. ગામના યુવાધનને દારૂની બદીથી બચાવવા અને વ્યસનથી દૂર રાખવા ગામમાં વસતા મેઘવાળ અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ સાથે મળીને મીટિંગ બોલાવી જેમાં, ગામની અંદર દારૂને તિલાજંલિ આપવા નક્કી કર્યું, આમ છતાં કોઈ પીધેલો પકડાશે, ગામમાં દારૂ પી ને કોઈ પ્રવેશ કરશે તો પોલીસને બોલાવી સોંપી દેવાશે. ૫૦૦-૧૦૦૦ હજારની વસ્તી વાળા ગામના દારૂબંધીના આ નિર્ણયને આસપાસના ગ્રામજનોએ સહસ્વીકાર કર્યો છે.વર્તમાનમાં કચ્છની અંદર પણ દેશી અને અંગ્રેજી દારૂ ખુલ્લેઆમ વેચાય છે પરિણામે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. તેવામાં થરાદમાં દારૂ ડ્રગ્સ મામલે વિવાદ થયા બાદ તાજેતરમાં ભુજના ઝુરા ગામે પણ એક મહિલાએ દેશી દારૂની બદીનો પર્દાફાશ કર્યો હતો. તેવામાં કચ્છના નાનકડા ગામે લીધેલો દારૂબંધીનો નિર્ણય અન્ય ગામો માટે પ્રેરણારૂપ છે.

નખત્રાણા તાલુકામાં આવેલા વાલકા નાના ગામે ક્ષત્રિય દરબાર અને મેઘવાળ સમાજની વસ્તી છે. આ ગામમાં પણ વ્યસનની અસર હોઈ ભવિષ્યમાં યુવાધન તેના રવાડે ચડી ન જાય અને આ દારૂની બદીથી બચાવી શકાય તે માટે બંને સમાજના આગેવાનો સાથે મળ્યા અને યુવાનો- ગ્રામજનોની હાજરીમાં મીટિંગ બોલાવી સમગ્ર ગામમાં દારૂબંધીનો નિર્ણય લીધો.
આ અંગે માહિતી આપતા ગામના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ગામમાં દારૂ બનાવાય નહીં, વેચાય નહીં અને કોઈ પીવે પણ નહીં. ગામની અંદર સંપૂર્ણ દારૂબંધી હોવી જોઈએ. બંને સમાજના આગેવાનોએ લીધેલા નિર્ણયને યુવાનોએ પણ આવકાર્યો.
વર્તમાનમાં ખુલ્લેઆમ વેચાતા દારૂના કારણે યુવાનો તે બદીનો ભોગ બની રહ્યા છે ત્યારે વાલકા નાના ગામના યુવાનોને દારૂની બદીથી બચાવવા માટે સમાજના આગેવાનોએ નિર્ણય લીધા બાદ બંને સમાજના આગેવાનોએ સાથે મળીને બેઠક બોલાવી જેમાં યુવાનો પણ હાજર રહ્યા અને દારૂબંધીનો લેખિતમાં ઠરાવ કર્યો જેમાં, ઉપસ્થિતોએ સહી કરી નિર્ણયને આવકાર્યો હતો.
– દારૂ પીતા પકડાશે તો પોલીસને સોંપાશે
વાલકા નાના ગામે દારૂબંધીનો બંને સમાજના આગેવાનોએ નિર્ણય લીધો છે, તેમ છતાં કોઈ પણ દારૂ પીધેલો પકડાશે, ગામમાં દારૂ સાથે પ્રવેશ કરશે અથવા દારૂ લાવશે કે બનાવશે તો તેની જાણ પોલીસને કરી સોંપી દેવાશે.

