ખેડા જિલ્લાના કપડવંજ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે, જેના કારણે સ્થાનિક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ગરીબ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હોસ્પિટલમાં નિયત સમયે ડૉક્ટરો હાજર ન રહેતા હોવાની અને કેટલાક મહત્વના વિભાગો કાર્યરત ન હોવાની ફરિયાદો ઉઠી છે. સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે, પરંતુ કપડવંજની આ સરકારી હોસ્પિટલમાં જવાબદાર તબીબો અને સ્ટાફની મનસ્વી કામગીરીને કારણે સરકારના હેતુ પર પાણી ફરી વળ્યું હોય તેમ લાગી રહ્યું છે. સરકારી હોસ્પિટલમાં સવારે ૯.૦૦ વાગ્યાથી ઓપીડી શરૂ કરવાનો સ્પષ્ટ નિયમ હોવા છતાં, અહીં સ્થિતિ તદ્દન વિપરીત જોવા મળી રહી છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના જણાવ્યા અનુસાર, સવારના ૧૦.૧૫ વાગ્યા સુધી પણ ડૉક્ટરોના દર્શન થતા નથી.આ પરિસ્થિતિને કારણે વહેલી સવારે દૂર-દૂરના ગામડાઓમાંથી ખાનગી વાહનો ભાડે કરીને અથવા એસટી બસમાં મુસાફરી કરીને આવતા દર્દીઓને કલાકો સુધી હોસ્પિટલના વરંડામાં બેસી રહેવું પડે છે. માત્ર ડૉક્ટરોની ગેરહાજરી જ નહીં, પરંતુ હોસ્પિટલના કેટલાક વિભાગો પણ અકળ કારણોસર બંધ રહેતા હોવાથી દર્દીઓને અધવચ્ચેથી જ પરત ફરવું પડે છે, અથવા મોંઘીદાટ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા મજબૂર થવું પડે છે. સ્થાનિક રહીશોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ આળસુ તંત્ર સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

