કેન્દ્ર સરકારની કપાસ માટેની આયાત નીતિ ખેડૂતો માટે જીવલેણ સાબિત થાય તેમ હોવાથી કિસાન સંઘ દ્વારા તાત્કાલિક આયાત ડયૂટી વધારવા માગ કરવામાં આવી છે.

ભારતીય કિસાન સંઘ પરિસંઘ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ કપાસની આયાત ડયૂટી ડિસેમ્બરથી ૨૫ ટકાથી ઘટાડીને ૧૧ ટકા કરાતાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને ફરીથી ૨૫ ટકા ડયૂટી કરવા માગ કરવામાં આવી છે.
સંઘના આગેવાને કહ્યું છે કે,વર્ષ ૨૦૧૩-૧૪માં ભારતમાં કપાસની ઉત્પાદકતા પ્રતિ હેક્ટર ૫૬૬ કિલો જેટલી થઇ છે.જે અગાઉના ૧૦ વર્ષની સરખામણીએ લગભગ બમણી હતી.પરિણામે ભારત વિશ્વમાં સૌથી વધુ કપાસ પકવતો દેશ બન્યો હતો અને તેનું યોગદાન વિશ્વમાં ૨૫ ટકા હતું.પરંતુ વર્ષ-૨૦૧૫ બાદ ગુલાબી ઇયળ,મજૂર વેતન,ઇંધણ ખર્ચ સહિતના ઉંચા ખર્ચને કારણે વર્ષ-૨૦૨૪-૨૫માં કપાસની ઉત્પાદકતા વર્ષ-૨૦૦૭ પહેલાંના સ્તરે પહોંચી છે.
ભારત કપાસની નિકાસ કરતું હતું.પણ હવે ભાવ ઘટાડવાના આશયથી દેશમાં કપાસનો પુરતો સ્ટોક હોવા છતાં સરકાર ૪૧.૪૦ લાખ ગાંસડીની આયાત કરે છે. જેથી ખેડૂતોને આપઘાત કરવાનો વખત આવ્યો છે.વળી ખેડૂતોને હેકટર દીઠ રૃ.૯૦ હજાર જેટલો ખર્ચ થાય છે અને તેની સામે ટેકાના ભાવની આવક માંડ અડધી થતી હોવાથી ખર્ચ પરવડતો નથી. કેન્દ્ર સરકારે આ બાબતે વિચારણા કરી નીતિ નહિ બદલે તો ખેડૂતો માટે પરિણામો સારા નહિ આવે.

