છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી ૧૩૮ વિધાનસભા વિસ્તારના કલારાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” પખવાડિયા અંતર્ગત સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. પરંતુ આ આરોગ્ય કેમ્પમાં વહીવટી તંત્રની બેદરકારી સ્પષ્ટ જોવા મળી હતી.કેમ્પ માટે લગાવવામાં આવેલા વિશાળ હોર્ડિંગમાં જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ, આરોગ્ય ચેરમેન સહિતના મહેમાનોના નામ દર્શાવવામાં આવ્યા હતા. પરંતુ સ્થાનિક ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવાનું નામ હોર્ડિંગમાંથી ગાયબ હતું. તેના બદલે સંખેડા વિધાનસભાના અભેસિંગ તડવીનું નામ મૂકવામાં આવ્યું હતું.આ કેમ્પ જેતપુર પાવી વિસ્તારનો હોવા છતાં ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવાને આમંત્રણ આપવામાં ન આવવું અને નામ ન મૂકવું ચર્ચાનો વિષય બન્યો છે. કેમ્પ સ્થળે પહોંચેલા ધારાસભ્યએ સ્ટેજ પર લગાવેલા હોર્ડિંગમાં પોતાનું નામ ન હોવાને લઈને વહીવટી અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું ધારાસભ્ય જ્યંતિભાઈ રાઠવાએ આક્ષેપ કરતાં જણાવ્યું કે-જિલ્લા વહીવટી તંત્રને પોતાના વિસ્તારના ધારાસભ્ય કોણ છે તેની ખબર જ નથી. આવી અવગણના પ્રજાને ગેરમાર્ગે દોરે છે. આ કેમ્પ તો મારા વિસ્તારમાં હતો છતાં મને જાણ કરવામાં આવી નહોતી.”આ અગાઉ પણ ઉચાપણ ખાતે યોજાયેલા આરોગ્ય કેમ્પમાં આવું જ બન્યું હતું, જેને લઈને ધારાસભ્યે જિલ્લા આરોગ્ય વહીવટી તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.આ ઘટનાએ વિસ્તારના રાજકીય તેમજ વહીવટી વર્તુળોમાં ચર્ચા જગાવી છે. તંત્રની આ બેદરકારી માત્ર ધારાસભ્યની અવગણના જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ખોટો સંદેશો પહોંચાડે છે તેવો આક્ષેપ સ્થાનિકોમાં થઈ રહ્યો છે.હવે જોવાનું રહેશે કે આ મુદ્દે જિલ્લા આરોગ્ય તંત્ર શું સ્પષ્ટતા આપે છે…

REPORTER : ઈરફાન મકરાણી કદવાલ

