કુપોષણ અંગે રાજ્ય સરકારની ચિંતન શિબિર અંગે રાજ્યના કેબીનેટ મંત્રીશ્રી નરેશ પટેલે દબાતા સત્ય સાથે ઉજાગર કરેલી વાસ્તવિકતા પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જાહેર થયેલ અહેવાલ મુજબ છેલ્લા દશ વર્ષમાં મહિલાઓમાં કુપોષણમાં ૫૫ ટકા થી વધીને ૬૫ ટકા નોંધાયું છે અને ૪૫ ટકા બાળકો કુપોષિત છે. રાજ્યના હજારો નહીં, પરંતુ લાખો નાના બાળકો આજે પણ પૂરતા પોષણથી વંચિત છે. અર્થતંત્રના આંકડાઓ વધી રહ્યા છે, પરંતુ બાળકોનો શરીર વિકાસ અને ભવિષ્ય ઘટી રહ્યો છે. આ સૌથી ચેતવનાર અસમાનતા છે. એક તરફ સતત વધતી જતી કુપોષણની સમસ્યા, બીજી તરફ મધ્યાહન ભોજન યોજના, આંગણવાડીમાં પોષણક્ષમ ખોરાક અને અન્ન સુરક્ષા કાયદા હેઠળ મળવા પાત્ર માતાઓને પોષણક્ષમ આહારમાં મોટા પાયે ગેરરીતિ, ગોલમાલ અને ભ્રષ્ટાચારની સાથે ગુણવત્તામાં સદંતર અભાવ સીધા જવાબદાર છે.
૦-૫ વર્ષની વયમાં ૩૬ ટકા કરતાં વધુ બાળકોની ઊંચાઈ ઉંમર મુજબ નથી વધતી જે દીર્ઘકાલીન કુપોષણનું સ્પષ્ટ નિશાન છે. દર પાંચમાં એક બાળક વજન મુજબ અન્ડર વેઈટ છે. જે શરીરના મૌલિક વિકાસમાં ગંભીર વિધ્ન છે. રાજ્યમાં ૫.૪૦ લાખથી વધુ બાળકો કુપોષિત હોવાનું સ્વયં સરકારના આંકડા દર્શાવે છે. સૌથી દુઃખદ વાસ્તવિકતા ૩ લાખથી વધુ આદિવાસી બાળકો કુપોષણના સીધા પ્રભાવ હેઠળ છે. બે વર્ષમાં રૂા. ૫૦૯ કરોડ ખર્ચ કર્યા પછી પણ પરિણામોમાં ઊંડો ફાળો દેખાતો નથી. મુદ્દો પૈસાનો નથી, પરંતુ અમલનો છે. કુપોષણ માત્ર આંકડાઓની સમસ્યા નથી, તે માતાના ગર્ભથી લઈ શાળાના દરવાજા સુધીના સમગ્ર વિકાસની તૂટેલી ઝાંઝર છે. આંતરિક વિસ્તારોમાં આંગણવાડી સેવાઓ અધૂરા સ્ટાફ, અનિયમિત અને પોષક આહારની અનિયમિતતા સાથે સંઘર્ષ કરે છે. મહિલાઓમાં ઊંચુ એનિમિયાનું પ્રમાણ આ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. ગુજરાતના દરેક બાળકનું સ્વાસ્થ્ય રાજ્યની સૌથી મોટી જવાબદારી છે. જેમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ છે.
કુપોષણ મુદ્દે સરકારની કરૂણ નિષ્ફળતા, કોઈ પ્રતિબદ્ધતા નહીં, કોઈ નીતિ નહીં, ગુજરાતમાં લાખો નાના બાળકો કુપોષણથી પીડાય છે અને રાજ્ય સરકાર માત્ર જાહેરાતો, ઝુંબેશો અને પ્રેઝન્ટેશન સુધી સીમિત રહી ગઈ છે. આ અત્યંત સંવેદનશીલ મુદ્દે સરકારની નિષ્ફળતા સ્પષ્ટ, કડવી અને અણમાફ કરી શકાય તેવી છે. આદિવાસી, ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં કુપોષણ વધતું જાય છે, પરંતુ સરકારની નજર માત્ર જાહેરાતો પર છે.
કુપોષણ સામે લડવા માટે માત્ર જાહેરાતો નહીં, સાચી પ્રતિબધ્ધતા, મજબૂત નીતિ અને જવાબદાર અમલ જરૂરી છે. ગુજરાતના ભવિષ્યને કાગળ પર નહીં, જમીન પર બચાવવાનો સમય આવી ગયો છે.

(ડૉ. મનિષ એમ. દોશી)
મીડિયા કન્વીનર અને પ્રવક્તા
