પોરબંદરના ગાંધી સ્મૃતિ ભવન ચોપાટી ખાતે ગુજરાત સાહિત્ય એકાદમી, ગાંધીનગર તથા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે આયોજિત પુસ્તક વિમોચન અને કવિ સંમેલન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ જાણીતા ઇતિહાસવિદ નરોત્તમ પલાણની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદરના જાણીતા તસ્વીરકાર જીતેન્દ્રસિંહ સોઢા દ્વારા રચિત “દરિયાની રેતમાં રમતું નગર પોરબંદર” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રીએ લેખક જીતેન્દ્રસિંહ સોઢાને તેમના પુસ્તક સર્જન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને પોરબંદરની સંસ્કૃતિ, ઇતિહાસ તથા કુદરતી સૌંદર્યને ઉજાગર કરતું આ પુસ્તક વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, ઇતિહાસવિદ નરોત્તમ પલાણ, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણિયા સહિત સાહિત્યપ્રેમી નાગરિકો, શિક્ષકો તથા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ

