વડોદરા શહેરમાં નાખવામાં આવેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ ગુનાહિત કૃત્યના ઉકેલ માટે મદદરૂપ થતો હોવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે.

હાલોલ નજીક જરોદ ગામે રહેતા સંગીતાબેન ચૌહાણ ગઈકાલે બસમાં વડોદરા આવ્યા હતા અને બસ ડેપોથી રિક્ષામાં બેસી ઓપીરોડના વિદ્યુત નગર સ્થિત પિયરમાં ગયા હતા.
રિક્ષામાંથી ઉતર્યા બાદ તેઓ પોતાના પિયરમાં પહોંચ્યા ત્યાર બાદ તેમને રોકડા રૂ.17000, સોનાની બે તોલાની ચેન અને બે મોબાઈલ વાળી બેગ રિક્ષામાં રહી ગઈ હોવાનું જણાય આવતા તેમણે સયાજીગંજ પોલીસને જાણ કરી હતી.
પોલીસે એસટી ડેપો થી વિદ્યુત નગર સુધીના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને તે દરમિયાન જુદી-જુદી રિક્ષાના નંબર ઉપરથી તપાસ કરતા એક રીક્ષા ચાલકે તેની રિક્ષામાંથી કોઈ મુસાફરની બેગ મળી આવી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે માત્ર ત્રણ કલાકમાં બેગ શોધી કાઢી મહિલાને પરત કરી હતી.

