એક વખતમાં કૉંગેસના કદાવર નેતા અને ગાંધી પરિવાર સાથે ઉમદા નાતો ધરાવનાર તેમજ ગુજરાત માં મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીના સમયકાળ દરમ્યાન કૉંગેસ તરફથી વિપક્ષની ભૂમિકા બેનમૂન તરીકે અદા કરનાર અર્જુનભાઈ મોઢવાડિયા કેસરિયા રંગે રંગાયા બાદ કેબિનેટ કક્ષાનું પ્રધાન પદ મળતા પોરબંદર માં હર્ષની હેલી
અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા નો જન્મ ૧૭ ફેબ્રુઆરી ૧૯૫૭ના રોજ પોરબંદરના મોઢવાડા ગામે થયો હતો. સામાન્ય ખેડૂત પરિવાર માં બે ભાઈ અને બે બહેનો સાથે તેમણે પોતાનું બાળપણ વિતાવ્યું. બાળપણ થી જ અર્જુનભાઈએ લોકો પ્રત્યે નમ્રતા અને સમ્માનના ગુણો વિકસાવી લીધા હતા. ખેડૂત પુત્ર હોવાના કારણે અર્જુનભાઈ કઠોર પરિશ્રમનું મહત્વ સમજે છે, એટલે જ તેઓ અભ્યાસ પૂર્ણ થયો ત્યાં સુધી પોતાના પિતાને ખેતી કામમાં મદદ કરતા હતા. જમીની સ્તર પર કામ કરવાનો અનુભવ આજે પણ તેમને જમીન સાથે જોડેલા રાખે છે.

અર્જુનભાઈએ પ્રાથમિક શિક્ષણ પોતાના ગામ મોઢવાડાની સરકારી શાળામાં પૂર્ણ કર્યુ. ત્યાર બાદ વર્ષ ૧૯૮૨ માં મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરની સ્નાતક પદવી મેળવી. શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો અંદાજ એ વાત ઉપરથી જ લગાવી શકાય તેમ છે કે વર્ષ ૧૯૮૨થી ૨૦૦૨ સુધી તેઓ રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડીકેટ સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. યુનિવર્સિટીમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ શિક્ષણ ની ગુણવત્તામાં સુધારા માટે સક્રિય ભાગ ભજવતા રહ્યા. રાજનીતી અને સમાજ સેવામાં સતત સક્રિય હોવા છતાં માત્ર જ્ઞાનવૃદ્ધિના ઉદ્દેશ્ય થી વર્ષ ૨૦૧૨માં ગુજરાત યુનિવર્સિટીમાં LLB ની ડીગ્રી મેળવી.
એન્જિનિયરિંગના અભ્યાસ બાદ અર્જુનભાઈ મોઢવાડિયાએ લગભગ ૦૯ વર્ષ સુધી ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે કામ કર્યુ. આ પોસ્ટ પર કામ કરતા તેમના અનેક સાથીઓ આજે સફળ મેરીટાઈમ એન્જિનિયરની કારકિર્દી બનાવી શક્યા છે. અર્જુન મોઢવાડિયા પણ એમ કરી શક્યા હોત, પરંતુ તેમના જીવનનો ધ્યેય લોકસેવાનો હતો, એટલે વર્ષ ૧૯૯૩ માં તેમણે નોકરી છોડીને પોતાનું જીવન પૂર્ણ રીતે જન સેવામાં સમર્પિત કર્યુ.
અર્જુનભાઈ મોઢવાડિયા વર્ષ ૧૯૯૭ માં જાહેર જીવનમાં જોડાયા. જાહેર સેવા પ્રત્યે પ્રતિબદ્ધ તેઓ વર્ષ ૨૦૦૨માં પોરબંદર મત વિસ્તારમાંથી કૉંગેસ વિધાનસભાના સભ્ય (ધારાસભ્ય) તરીકે ચુંટાયા. પોતાની વક્તૃત્વ કુશળતા અને ફરજો નિભાવવાની પ્રતિબદ્ધતા માટે જાણીતા અર્જુન મોઢવાડિયાને વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૭ સુધી ગુજરાત વિધાન સભામાં કોંગેસ ના વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી, જેને યોગ્ય રીતે નિભાવતા અર્જુન મોઢવાડિયાએ ગુજરાતની જનતાના પ્રશ્નોને વિધાનસભામાં સચોટ રીતે રજુ કર્યા અને એક જવાબદાર વિપક્ષના નેતા તરીકેની ફરજ નિભાવી.
૨૦૦૩માં શ્રીલંકામાં યોજાયેલી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોશી એસનની એશિયા વિસ્તારની કોન્ફરન્સમાં તેમણે ગુજરાતના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી અને રાજ્યની લોકશાહી પરંપરાનું ગૌરવ વધાર્યું હતું.
અર્જુનભાઈ મોઢવાડિયા એક એવા લોકપ્રિય નેતા છે, જેઓ રાજકારણને સત્તા માટે નહીં પરંતુ જનહિત માટેનું સાધન માને છે. તેમની સાદગીપૂર્ણ નેતાગીરી અને જનસેવાની ભાવના નવી પેઢી માટે પ્રેરણારૂપ છે.
૨૦૦૭માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ફરી કૉંગેસના ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. તેમજ વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ની ચુંટણીમાં કૉંગેસમાંથી ત્રીજી વખત પોરબંદરની જનતાએ અર્જુનભાઈ મોઢવાડિયાને વિજયી બનાવી જનસેવાની તક આપી.
વર્ષ ૨૦૨૪માં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવાના ભાગરૂપે અર્જુન ભાઈ મોઢવાડિયા વિકસીત પોરબંદર અને વિકસીત ગુજરાત ના સ્વપ્નને સાકાર કરવા માટે તેઓ એ ૦૫/૦૩/૨૦૨૪ ના કોંગ્રેસ ના ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા, ત્યાર બાદ ગુજરાત વિધાન સભાની યોજાયેલ પેટા ચૂંટણીમાં અર્જુન ભાઈ ભાજપ તરફથી ચૂંટણી લડ્યા અને તેમણે વિધાનસભાની પેટાચુંટણીમાં ૧,૧૬,૮૦૮મતોની ઐતિહાસીક સરસાઈ સાથે વિજય મેળવીને નવો વિક્રમ સ્થાપિત કર્યો. આ ચુંટણીમાં અર્જુનભાઈ મોઢવાડિયાને કુલ ૧,૩૩,૧૬૩ (કુલ મતના ૮૬%) મત પ્રાપ્ત થયા હતા. જે ગુજરાતના ઈતિહાસમાં એક જ ઉમેદવારને મતની ટકાવારીનો પણ એક રેકોર્ડ છે.
અર્જુનભાઈ મોઢવાડિયાને લોકો પ્રત્યે આત્મિયભાવ અને સીધો સંપર્ક છે, જે તેમને સતત લોકો માટે કાર્યરત રહેવાની પ્રેરણા પુરી પાડે છે. તેઓ જાહેર જીવનની સાથે સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સાર્વજનિક ટ્ર્સ્ટોમાં પણ સક્રિય છે. તેઓ માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના સ્થાપક મેનેજીંગ ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ સંચાલિત ડૉ. વી.આર. ગોઢાણિયા શૈક્ષણિક સંકુલમાં પ્રાથમિક થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની શૈક્ષણિક સંસ્થાઓમાં લગભગ પાંચ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સાથે જ તેઓ શંકરા ચાર્ય મહારાજના માર્ગદર્શનમાં શારદા પીઠ વિદ્યાસભા, દ્વારકામાં ટ્રસ્ટી અને સંયુક્ત સચિવ તરીકે સેવા આપે છે.
પોરબંદર જિલ્લાના પ્રતિષ્ઠિત નેતા તથા જાણીતા સામાજિક કાર્યકર અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા ને વન અને પર્યાવરણ ખાતાનું મંત્રીપદ ફાળવાતા સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હર્ષની લાગણી વ્યકત થઈ છે.
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ

