કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ‘વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ)’ એટલે કે VB-G RAM G યોજના અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવતા ભ્રામક પ્રચારોનો જડબાતોડ જવાબ આપવા માટે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે એક મહત્વની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યોજના ગુજરાત અને દેશના ગામડાઓની તસ્વીર બદલી નાખશે. અગાઉ મનરેગામાં માત્ર ૧૦૦ દિવસનું કામ મળતું હતું, જે હવે આ નવા અધિનિયમથી ૧૨૫ દિવસની ગેરંટી સાથે મળશે. એટલું જ નહીં, રાજ્યો પોતાના બજેટમાંથી વધારાના ૬૦ દિવસ ઉમેરી શકશે, એટલે કે ગ્રામીણ શ્રમિકોને વર્ષમાં કુલ ૧૮૫ દિવસની રોજગારી મળી શકશે.

બજેટમાં ₹૬૦ હજાર કરોડનો તોતિંગ વધારો
જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આંકડાકીય વિગતો આપતા જણાવ્યું કે, કોંગ્રેસ શાસનમાં મનરેગાનું બજેટ માત્ર ₹૩૫ હજાર કરોડ હતું, જે મોદી સરકારે વધારીને ₹૯૫ હજાર કરોડ કર્યું છે. આ યોજના હેઠળ ૬૦% ફંડ કેન્દ્ર અને ૪૦% રાજ્ય સરકાર આપશે. આ અધિનિયમથી સાપ્તાહિક વેતન ચૂકવણીની વ્યવસ્થા કરાઈ છે, જેથી કામદારોને એક જ સપ્તાહમાં નાણાં મળી જશે.
વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ઉમેર્યું કે, યોજનામાં પારદર્શિતા લાવવા માટે બાયોમેટ્રિક હાજરી, GPS ટ્રેકિંગ અને રિયલ-ટાઇમ ડેટા મોનિટરિંગનો ઉપયોગ થશે. ૫૦% થી વધુ કામો ગ્રામસભા દ્વારા નક્કી કરવામાં આવશે, જેથી ગામની જરૂરિયાત મુજબ જ વિકાસ થશે.
પત્રકાર પરિષદમાં ભાજપના આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે, યોજનાના નામમાં ‘રામજી’ શબ્દને લઈને કોંગ્રેસ ખોટો વિવાદ ઉભો કરી રહી છે. આ યોજના મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુરૂપ છે અને ગ્રામીણ ભારતને આત્મનિર્ભર બનાવવાની મોદી સરકારની ગેરંટી છે. આ પરિષદમાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા અને મહામંત્રી ફતેસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

