ઝઘડિયા તાલુકાના ઉમલ્લા રેલવે ફાટક પાસે ગતરોજ ફરી એકવાર ખરાબ રસ્તાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. શેરડી ભરેલું ટ્રેક્ટર-ટ્રેલર અચાનક પલટી જતાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ આ ઘટનાએ ઉમલ્લા બજારના બિસ્માર રસ્તાઓ અને તંત્રની બેદરકારીને ખુલ્લી પાડી દીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, શેરડી ભરેલું ટ્રેક્ટર ઉમલ્લા રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રેલર તૂટી પડ્યું હતું. શેરડીનો આખેઆખો ભારો ડ્રાઇવરની કેબિન તરફ પડ્યો હતો, પરંતુ ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી તુરંત નીચે કૂદી જતાં તેનો જીવ બચ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક દોડી આવી મદદ કામગીરી હાથ ધરી હતી.ઉમલ્લા બજારથી રેલવે ફાટક સુધીના માર્ગ પર પડેલા મોટા ખાડાઓ વાહનચાલકો માટે આફત સમાન બન્યા છે. આજ રોજ અન્ય એક ઘટનામાં, ખાતર ભરીને જઈ રહેલા ટ્રેક્ટરનું વ્હીલ પણ ખાડાને કારણે તૂટી ગયું હતું, જેનાથી ખાતરનો જથ્થો રસ્તા પર ઢોળાઈ ગયો હતો અને ખેડૂતને આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું.

વારંવાર સર્જાતા અકસ્માતોને પગલે સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે ઉમલ્લા બજાર અને રેલવે ફાટક નજીકના આ જીવલેણ ખાડાઓને તાત્કાલિક પૂરવામાં આવે અને માર્ગનું નવીનીકરણ કરવામાં આવે. જો વહેલી તકે રસ્તો દુરસ્ત નહીં કરાય તો કોઈ મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે.
