ખેડબ્રહ્મા-ખેરોજ સ્ટેટ હાઈવે પર માર્ગ સલામતી માટે લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલી સેફ્ટી એન્ટિગ્લેર સ્ક્રીનની ગુણવત્તા અને ખર્ચ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. આ કામગીરી શંકાના દાયરામાં આવતાં, જાગૃત નાગરિકો અને સ્થાનિક લોકો દ્વારા આ પ્રોજેક્ટની ઉચ્ચ સ્તરીય તપાસ કરાય તેવી માંગ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ખેરોજથી ખેડબ્રહ્મા સુધીના સ્ટેટ હાઈવે પર વાહનચાલકોને રાત્રિ દરમિયાન સામેથી આવતા વાહનોની લાઈટથી થતી આંખોનું તેજ (ગ્લેર) અટકાવવા માટે આ એન્ટિગ્લેર સ્ક્રીન લગાવવામાં આવી છે. જોકે, આ પ્રોજેક્ટમાં થયેલા લાખો રૂપિયાના ખર્ચની સામે તેની ગુણવત્તા નબળી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જેના કારણે સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ અંગે જાગૃત નાગરિક ભાવેશભાઈ પટેલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા માટે જણાવ્યું હતું અને લાગતા વળગતા અધિકારી સામે યોગ્ય કાર્યવાહી થાય અને નિષ્પક્ષ તપાસ થાય તે માટે લેખિત રજૂઆત માર્ગ મકાન વિભાગ મંત્રીને ઈ-મેલ દ્વારા કરી છે.

