GUJARAT : ખેડા જિલ્લાની આંગણવાડી અને આશાવર્કર બહેનોનું સૂત્રોચ્ચાર સાથે આવેદન

0
15
meetarticle

દેશવ્યાપી હડતાળના એલાનના પગલે ખેડા જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોએ પોતાના પડતર પ્રશ્નો અને પગાર વધારાની માંગ સાથે સરકાર સામે મોરચો માંડયો છે. હાઈકોર્ટના આદેશ છતાં વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં ન આવતા રોષે ભરાયેલી બહેનોએ નડિયાદ ખાતે એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.


આગામી ૧૬ ફેબુ્રઆરીના રોજ રજૂ થનારા રાજ્યના બજેટમાં પગાર વધારાની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે. વિગતો મુજબ રાજ્યભરમાં અંદાજે ૧,૪૦,૦૦૦ જેટલી આંગણવાડી અને આશા વર્કર બહેનો લાંબા સમયથી વેતન વધારા માટે લડત ચલાવી રહી છે. ખેડા જિલ્લાની બહેનોએ આ અંગે આક્રમક સુર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે ઓગસ્ટ માસમાં પગાર વધારા સંદર્ભે ૬ મહિનામાં નિર્ણય લેવા સરકારને આદેશ કર્યો હતો. હાઈકોર્ટ દ્વારા અપાયેલી આ મુદત આગામી ૨૦ ફેબુ્રઆરીના રોજ પૂર્ણ થઈ રહી હોવા છતાં સરકાર તરફથી હજુ સુધી કોઈ ચોક્કસ પ્રતિસાદ મળ્યો નથી. મોંઘવારીના આ સમયમાં નજીવા વેતનમાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હોવાથી બહેનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. નવા મજૂર કાયદાની જોગવાઈઓ સામે પણ વિરોધ નોંધાવતા બહેનોએ સ્પષ્ટ કર્યું હતું કે, જો આગામી ૨૦ ફેબુ્રઆરી સુધીમાં પગાર વધારાનો ઉકેલ નહીં આવે તો રાજ્યભરની બહેનો સાથે મળીને સમગ્ર કામકાજ ઠપ્પ કરી દેશે. આ હડતાળને કારણે જિલ્લામાં આંગણવાડીના રોજિંદા કાર્યોે પર માઠી અસર જોવા મળી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here