ખેડા જિલ્લાના કુપોષિત બાળકોના સર્વાંગી વિકાસ અને સુપોષિત બનાવવાના હેતુથી ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને અમૂલ ડેરીના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલા ‘ગામનો નિર્ધાર, સહકારથી સાકાર’ અભિયાન હેઠળ જિલ્લાની વિવિધ દૂધ મંડળી દ્વારા ૨,૯૩૦.૮૫ લિટર દૂધનું દાન મળ્યું છે અને દરરોજ ૩ હજારથી વધુ બાળકોને લાભ મળી રહ્યો છે.

‘ગામનો નિર્ધાર, સહકારથી સાકાર’ અભિયાનનો પ્રારંભ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગ દર્શન હેઠળ ૧૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ માતર અને પરીએજ ખાતેથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, નડિયાદ, વસો અને મહેમદાવાદ સહિતના અન્ય તાલુકાઓમાં પણ દૂધ મંડળીના સંચાલકોને આ પહેલ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ નવતર અભિગમ હેઠળ, ગામના દૂધ ઉત્પાદકો જ્યારે ડેરી પર દૂધ જમા કરાવવા આવે છે, ત્યારે તેઓ સ્વેચ્છાએ આંગણવાડીના કુપોષિત બાળકો માટે ખાસ રાખવામાં આવેલા ‘આશીર્વાદ પાત્ર’ માં દરરોજ પોતાની ઈચ્છા મુજબ દૂધનું દાન કરે છે. આ એકત્રિત દૂધ નિયમિતપણે સ્થાનિક આંગણવાડીઓને પહોંચાડવામાં આવે છે. જેથી કુપોષિત બાળકોને નિરંતર પોષણ મળી રહે અને કુપોષણમુક્ત બની શકે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૩૦૫ જેટલી દૂધ મંડળીઓને આહવાન કરવામાં આવ્યું છે. જેના પરિણામે, અત્યાર સુધીમાં ૨,૯૩૦.૮૫ લિટર દૂધનું દાન એકત્રિત કરવામાં આવ્યું છે અને દરરોજ ૩૦૦૦થી વધુ બાળકોને લાભ મળી રહ્યો છે.

