ખેડૂતો ખેતી ખર્ચ ઘટાડી આધુનિક પદ્ધતિ દ્વારા વધુ નફો મેળવી શકે તેવા ઉમદા હેતુ સાથે તણછા ખાતે એક દિવસીય કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટી અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ શિબિરમાં પ્રાયોગિક નિદર્શન દ્વારા ખેડૂતોને આધુનિક ખેતીના પાઠ ભણાવવામાં આવ્યા હતા.

કૃષિ સંશોધન કેન્દ્રના વડા ડૉ. અંકિત ગઢિયાના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતોને કેન્દ્ર ખાતે વિકસાવવામાં આવેલા તુવેર, તરબૂચ, પાપડી અને દિવેલાના નિદર્શન પ્લોટની પ્રત્યક્ષ મુલાકાત કરાવાઈ હતી. શિબિરમાં સરદાર સરોવર નિગમના નિષ્ણાત પ્રતિક પટેલે સંકલિત પોષણ વ્યવસ્થાપન અંગે, જ્યારે આમોદ અને વાગરાના ખેતીવાડી વિસ્તરણ અધિકારીઓએ સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ અને કાર્યપદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.આર. અહલાવતના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયેલી આ શિબિરમાં ૫૪ જેટલા ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લઈ કૃષિ તકનીકોમાં આવતા વૈશ્વિક પરિવર્તનોની જાણકારી મેળવી હતી.
