યુનિવર્સિટીના પ્રો ચાન્સેલર પ્રો. ડૉ. મહેન્દ્ર શર્માએ આ અવસરે યોજાયેલા સમારોહમાં આવકાર પ્રવચન દ્વારા સૌ મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું અને સમગ્ર યુનિવર્સિટી પરિવાર વતી શ્રી ગણપતદાદાને અભિનંદન અને શુભ કામનાઓ પાઠવીને યુનિવર્સિટી માટેના દાદાના સમર્પિત સેવાના આટલાં વર્ષોના પ્રદાનની ભારે સરાહના કરતા જણાવ્યું હતું કે દાદાનું વિઝન તેમજ યુનિવર્સિટી માટેની દાદાની પ્રતિબધ્ધતા આજની યુવા પેઢી માટે જ નહીં, આગામી અનેક પેઢીઓના શિક્ષણ અને ચારિત્ર્યઘડતર ઉપર પોતાનો પ્રભાવ ઉભો કરશે.

આ સમારોહમાં વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા કમાન્ડર ઈન સેવન ગુજરાત બટાલિયન એન.સી.સી.ના લેફ્ટનન્ટ ડૉ. સ્વાતિ નિગમે ગણપત યુનિવર્સિટીની રક્ષાશક્તિ સ્કૂલની એન.સી.સી.ની વિદ્યાર્થીનીઓને સમારોહમાં હાજર જોઈને રાજીપો વ્યક્ત કરતા દીકરીઓને હિમ્મતવાન બનાવા કહ્યું હતું. એમણે ઓપેરશન સિંદૂરમાં પોતાનું મહત્વનું યોગદાન આપનાર આર્મીની બે બહાદુર મહિલાઓની વાત કરીને હવે સ્ત્રીઓ માટે પણ લશ્કરમાં અનેકવિધ તકો રહેલી છે એ તરફ નિર્દેશ કર્યો હતો.
એમણે એમ પણ કહ્યું હતું કે શિસ્ત અને સમર્પણની ભાવના ભારતના લશ્કરનો આત્મા છે… ખરી શક્તિ છે.
દાદાના જન્મ દિવસની ઉજવણીના અન્ય એક ખાસ મહેમાન દેશના અગ્રણી ફાર્મા લીડર અને આઈકનેક્ટર ફાર્મા ઇનોવેશન્સ કંપનીના ફાઉન્ડર સી.ઈ.ઓ. ડૉ. પથિક સુભાષચંદ્ર બ્રહ્મક્ષત્રિયે આજે સ્વામિ વિવેકાનંદનો પણ જન્મ દિવસ છે એવું કહીને સ્વામીજીને અને દાદાને જ્ઞાન દ્વારા માનવતાની નિસ્વાર્થ સેવા કરનારા ભેખધારીઓ તરીકે બિરાદાવ્યા હતા. એમણે ગીતાના નમ્ર અને જિજ્ઞાસુ થવાના બોધને જ્ઞાન પ્રાપ્તિ માટેના આવશ્યક ગુણો ગણાવ્યા હતા અને સમજાવ્યું હતું કે જ્ઞાનનું દાન સમાજ માટેનું શ્રેષ્ઠ દાન છે અને એટલે જ એમણે કહ્યું કે વિદ્યા દ્વારા સમાજ ઉત્કર્ષનું યુનિવર્સિટીનું ધેય એ ” સાચી ચેરિટી ” છે.
શ્રી બ્રહ્મક્ષત્રિયજીએ જ્ઞાનને સૌથી વધુ શક્તિશાળી ગણાવ્યું હતું. પૈસાને એક મર્યાદા છે.. એનું મૂલ્ય એક સમય પૂરતું જ હોય છે જયારે જ્ઞાન અનંત છે..ટકાઉ છે. એમણે ” દાસ ” બનીને ” સેવા ” કરતા ” લીડર ” નું બહુ મોટું મૂલ્ય આંક્યું હતું અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉદાહરણ એમણે આ કક્ષાના શ્રેષ્ઠ લીડર તરીકે ટાંક્યુ હતું. ગણપત દાદાની સેવાને પણ એમણે આ શ્રેણીમાં જ ગણાવી હતી. એમણે ગીતાના વિવિધ શ્લોકને ટાંકીને સેવા, સમર્પણ,સંવેદના, વિવેક અને પ્રેમ અને કરુણા જેવાં અનેક સદગુણોનો મહિમા કર્યો હતો અને આ સૌ ગુણોને દાદાની જેમ જીવનમાં ઉતારવાની શીખ આપી હતી.
જેમના જન્મદિવસને ગણપત યુનિવર્સિટી દર વર્ષે ” વિદ્યયા સમજોત્કર્ષ: ” દિવસ તરીકે ભારે હર્ષ અને ઉત્સાહ સાથે ઉજવે છે તે યુનિવર્સિટીના મુખ્ય દાતા અને પ્રમુખ પદ્મશ્રી ગણપત દાદાએ આ અવસરે પોતાના મનોગતને પ્રગટ કરતા જણાવ્યું હતું કે મને બધાં પદ્મશ્રી પદ્મશ્રી કહીને ખુબ માન, પ્રેમ અને આદર આપે છે પરંતુ હું એકલો એનો હકદાર નથી…. આપ સૌ પણ એમાં ભાગીદાર છો, સહયોગીઓ છો. હું પદ્મશ્રી, તો દાદી મિસિસ પદ્મશ્રી છે, તમે બધાં ફ્રેંડ્સ ઑફ પદ્મશ્રી છો, મારા વહાલા વિદ્યાર્થીઓ ગ્રાન્ડ ચિલ્ડ્રન ઑફ પદ્મશ્રી છે…! માટે આ મારી અંગત ઉજવણી નથી, આપણા સૌની છે. મારે માટે આ વિશેષ તો એક સ્મરણ છે – સમાજ માટેની સમર્પિત સેવાનું !
વિવેકાનંદજી કહે છે… અને આપણા મોદીજી પણ કહે છે — અરાઈઝ, અવેઈક એન્ડ ડૉન્ટ સ્ટોપ અન્ટીલ યુ રિચ ઘી ગોલ !
ઉઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડી પડો…!
પૂજ્ય દાદાએ શિક્ષણને માત્ર એક પદવી માત્ર નહીં પરંતુ ચારિત્ર્ય નિર્માણ પણ છે એ સમજવાની વિદ્યાર્થીઓને ભલામણ કરી હતી.
એમણે યુનિવર્સિટીના નોંધપાત્ર ઉત્કર્ષમાં કુલગુરુ શ્રી મહેન્દ્ર શર્માના પ્રદાનને બહુમૂલ્ય ગણાવી સરાહના કરી હતી, તો પ્રાધ્યાપક મિત્રોને મૂલ્યો, પ્રેરણા અને હિમ્મત દ્વારા વિદ્યાર્થીઓનું સ્વસ્થ માનસ ઘડવાની અપીલ કરી હતી.
યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ પ્રો. ડૉ. આર. કે. પટેલ, પ્રો વાઇસ ચાન્સેલર પ્રો. ડૉ. સત્યેન પરીખ, પ્રો. ડૉ. સૌરભ દવે, પ્રો વાઇસ ચાન્સેલર અને એક્સિક્યુટીવ રજીસ્ટ્રાર ડૉ.ગિરીશ પટેલ, વિવિધ હેડ ઑફ ધી ડિપાર્ટમેન્ટ્સ, ડિન્સ, એક્સક્યુટિવ ડિન્સ, આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકો, ટ્રસ્ટ્રીશ્રી જયંતીભાઈ પટેલ, શ્રી સોમભાઈ રાયકા, શ્રી પ્રવીણભાઈ પટેલ, બૉર્ડ મેમ્બર્સ અને આમંત્રિત મહેમાનો સહિત અનેક વિદ્યાર્થીઓએ આ અવસરે મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત ઉજવણીને વધુ સાર્થક બનાવી હતી.
સમારોહના અંતે યુનિવર્સિટી ગીતનું પ્રેરણાદાયી ગાન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું ખુબ સુચારુ રૂપે સંચાલન પ્રો. ડૉ. દીપાલીએ કર્યું હતું.

