દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રની મહત્વની સંસ્થા એવી શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી (વટારિયા) માં હાલ ગંભીર વહીવટી મડાગાંઠ સર્જાઈ છે. વચગાળાની કસ્ટોડિયન કમિટીના સભ્યોએ ધડાધડ રાજીનામા ધરી દેતા સંસ્થામાં ‘ક્વોરમ’ નો અભાવ સર્જાયો છે, જેના કારણે દૈનિક કામગીરી અને નિર્ણય પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને સંસ્થાના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાએ કર્યો છે.

સંદીપ માંગરોલાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કસ્ટોડિયન કમિટીના રાજીનામાઓ સાબિત કરે છે કે વર્તમાન વ્યવસ્થા અકાર્યક્ષમ અને વિશ્વાસપાત્ર રહી નથી. સહકારી કાયદા મુજબ વચગાળાની વ્યવસ્થા મર્યાદિત સમય માટે જ હોય છે, છતાં લાંબા સમય સુધી આ પ્રક્રિયા ખેંચવી એ સહકારી લોકશાહીનું અપમાન છે. કમિટીના વિખેરાવાથી ખેડૂતો અને સભાસદોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે સંસ્થાના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હો ઉભા થયા છે.
તેમણે રાજ્ય સરકાર પાસે સ્પષ્ટ માંગણી કરી છે કે, વર્તમાન કસ્ટોડિયન કમિટીને તાત્કાલિક અસરથી ભંગ કરી ત્યાં નિષ્પક્ષ વહીવટદાર (Administrator) ની નિમણૂક કરવામાં આવે. વધુમાં, ખેડૂતોના હિતમાં સમયબદ્ધ અને પારદર્શક ચૂંટણી યોજીને ચૂંટાયેલી પાંખને શાસન સોંપવાની હિમાયત કરી છે. જો સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે, તો સહકારી ક્ષેત્રમાં લોકશાહીના હનન સામે આંદોલનાત્મક માર્ગ અપનાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

