પંચમહાલ એ.સી.બી.એ ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY-G) હેઠળ લાભાર્થીનો બીજો હપ્તો મંજૂર કરી આપવાના અવેજમાં ‘સાહેબના વહેવાર’ પેટે ₹૨,૦૦૦ની લાંચ લેતા કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર સોબાન સિરાજ મજીદ બાગવાલા (ઉ.વ. ૩૩) ને ઝડપી પાડવામાં આવ્યો છે.

બનાવની વિગત મુજબ, ફરિયાદીના ફળિયાના એક લાભાર્થીનું વર્ષ ૨૦૨૪-૨૫નું આવાસ મંજૂર થયું હતું અને લિન્ટલ લેવલ સુધીનું કામ પૂર્ણ થયા બાદ બીજો હપ્તો બાકી હતો. આ હપ્તાની પ્રક્રિયા માટે જ્યારે ફરિયાદી જરૂરી ફોર્મ સાથે તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા, ત્યારે આરોપી સોબાને ડેટાબુકની ચકાસણી કરી બીજા હપ્તા માટે ₹૨,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જે બાદ એ.સી.બી. પી.આઈ. એચ.પી. કરેણ અને તેમની ટીમે કચેરીના પ્રથમ માળે આવેલી અગાસી પર છટકું ગોઠવ્યું હતું. આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારતા જ એ.સી.બી.એ તેને દબોચી લીધો હતો. આ સમગ્ર કામગીરી મદદનીશ નિયામક બી.એમ. પટેલના સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી.

