ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામમાં સર્વર ડાઉન હોવાથી પાક નુકસાનીના વળતરનું એક ફોર્મ ભરવામાં ૧૦ મિનિટનો સમય લાગતો હોવાથી ખેડૂતો પરેશાન બન્યા છે. ખેતીનું કામ છોડીને લાંબી લાઈનમાં ઉભા રહેવા છતાં ફોર્મ ન ભરાતા ધક્કા ખાવા પડે તેવી સ્થિતિથી ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે.

ગળતેશ્વર તાલુકામાં કમોસમી વરસાદથી પાકને થયેલી નુકસાનીના ફોર્મ ભરવાના શરૂ થયા છે. ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામમાં ૧૨૫થી વધુ ખેડૂતોને ઉભા પાકમાં આર્થિક નુકસાન થવાથી પાક નુકસાનનું વળતર મેળવવા દોડધામ કરી રહ્યા છે. ખેડૂતોએ આર્થિક નુકસાન થવા છતાં ખેતરોમાં રવી પાક લેવા માટે ખેડાણ સહિતની કામગીરીમાં લાગ્યા છે. ખેતીના કામમાંથી સમય કાઢીને ખેડૂતો પાક નુકસાનીના વળતર માટે કચેરીએ લાઈનમાં લાગે છે. ત્યારે ડભાલી ગામ પંચાયત ખાતે આજે સવારથી સર્વર ડાઉન હોવાથી મંથરગતિએ ફોર્મની કામગીરી ચાલી રહી હતી. કમ્પ્યુટર ઓપરેટરે જણાવ્યું હતું કે, સર્વર ડાઉન રહેતું હોવાથી એક ફોર્મ ૧૦ મિનિટના સમય બાદ ફોર્મ ભરાય છે. ગામમાં ૧૨૫ ખેડૂતોના ફોર્મ ક્યારે ભરાશે તેવા ખેડૂતો સવાલો કરી રહ્યા છે. ડભાલી ગામમાં રેગ્યુલર ઓછા સમયમાં ફોર્મ ભરી ખેડૂતોનો સમય ન વેડફાય તેવી વ્યવસ્થા કરવા માંગણી ઉઠી છે.

