GUJARAT : ગાંધીનગરમાં રોગચાળો: એક બાળકનું શંકાસ્પદ મોત, સિવિલમાં બેડ ખૂટી પડતા નવો વોર્ડ શરૂ કરાયો

0
37
meetarticle

રાજ્યના પાટનગરમાં પાણીજન્ય રોગચાળાએ અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને જૂના સેક્ટરો અને આસપાસના વિસ્તારોમાં ટાઈફોઈડના કેસોમાં મોટો ઉછાળો આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો એવો ધસારો છે કે બેડ ખૂટી પડ્યા છે અને તાત્કાલિક ધોરણે વધારાનો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે.

એક માસૂમનું મોત, સ્થિતિ ચિંતાજનક

પાટનગરમાં પ્રસરેલા આ રોગચાળામાં અત્યાર સુધીમાં 150 થી વધુ લોકો સારવાર હેઠળ છે, જેમાંથી 50 જેટલા કેસ પોઝિટિવ નોંધાયા છે. સૌથી દુખદ બાબત એ છે કે, સારવાર લઈ રહેલા બાળકો પૈકી એક બાળકનું શંકાસ્પદ મોત નીપજ્યું હોવાના અહેવાલ છે, જ્યારે અન્ય બે બાળકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જ વધુ 18 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તંત્રની ઘોર બેદરકારી: પાલિકાને 30 ડિસેમ્બરે જ કરાઈ હતી જાણ

આ આખી ઘટનામાં તંત્રની ગુનાહિત બેદરકારી સામે આવી છે. આરોગ્ય વિભાગે 30 ડિસેમ્બરના રોજ જ ગાંધીનગર મહાનગરપાલિકાને લેખિતમાં જાણ કરી હતી કે શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે. તેમ છતાં, પાલિકા તંત્ર ઘોર નિદ્રામાં રહ્યું અને કોઈ નક્કર પગલાં ન લેવાયા, જેનું પરિણામ આજે ગાંધીનગરની જનતા ભોગવી રહી છે.

19 થી 20 જગ્યાએ પાણીની લાઈનમાં લીકેજ

તપાસમાં સામે આવ્યું છે કે પાટનગરના વિવિધ વિસ્તારોમાં અંદાજે 19 થી 20 જેટલી જગ્યાએ પીવાના પાણીની લાઈનમાં લીકેજ છે. આ લીકેજને કારણે ગટરનું ગંદુ પાણી પીવાની લાઈનમાં ભળી રહ્યું છે, જેના કારણે ટાઈફોઈડના કેસોમાં વિસ્ફોટક ઉછાળો આવ્યો છે. જો પાલિકાએ સમયસર આ લીકેજ બંધ કર્યા હોત, તો આજે સ્થિતિ આટલી ગંભીર ન હોત.

હોસ્પિટલની સ્થિતિ અને ડિસ્ચાર્જ

સિવિલ હોસ્પિટલમાં હાલ યુદ્ધના ધોરણે સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં 89 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે, પરંતુ નવા કેસો આવવાનું સતત ચાલુ હોવાથી તબીબો પર પણ ભારણ વધ્યું છે. હોસ્પિટલ તંત્ર દ્વારા બાળકો માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here