ગાંધીનગરના સેક્ટર-24માં આવેલા ઇન્દિરા નગર છાપરા વિસ્તારમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મની પીડાદાયક ઘટના બની છે. બાળકી રાત્રે શૌચક્રિયા માટે જાગી ત્યારે હવસખોરે અંધારાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ નરાધમ બાળકીને ઘર પાસે મૂકી ગયો હતો. બાળકી રડતાં રડતાં તેની દાદી પાસે પહોંચી હતી ‘ભૂત આવ્યું’ કહી ડરી ગઈ હતી અને જઈને સૂઈ ગઈ હતી.
દાદીને શંકા જતાં તાત્કાલિક બાળકીની તપાસ કરતાં વસ્ત્રો લોહીથી ખદબદ હતા. થોડા સમય માટે દાદી પણ ગભરાઈ ગયા હતા, પરિવારને જગાડી બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ડૉક્ટરે તપાસ કરતાં દુષ્કર્મની પુષ્ટિ થઈ હતી. હાલ બાળકીની સારવાર ચાલુ છે.
પોલીસે તાબડતોબ ફરિયાદ નોંધી દુષ્કર્મીને પકડવા કવાયત હાથ ધરી હતી. જેમાં સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પીડિત બાળકીના માતા-પિતા વચ્ચે ઘર કંકાસ ચાલી રહી છે. જેથી બાળકી માતા સાથે પિયરમાં છાપરા વિસ્તારમાં રહે છે. ઘટના બની એ રાત્રે પરિવાર ઊંઘી રહ્યો હતો. બાળકીએ ડરીને ભૂત આવ્યું એવું દાદીને કહેતા સમગ્ર જઘન્ય કૃત્ય સામે આવ્યું હતું.

સૂત્ર મુજબ પોલીસે તપાસમાં બાળકીના મામા સહિત ચાર લોકો શંકાના દાયરામાં છે. તેમની અટકાયત બાદ ગુનો નોંધી ઊંડી પૂછપરછ શરૂ કરી છે. FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ પુરાવાઓ એકત્રિત કરી રહી છે.
હસતી રમતી બાળકીની રાત્રે આ દશા થઈ, એ બાળકી અને પરિવારની વેદના શું હશે! વિચાર આવશે તો પણ કાળજું કંપી જશે! જસદણ નિર્ભયાકાંડ બાદ ગાંધીનગરમાં બનેલી આ ઘટના તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા કરે છે. હવસખોરો મન પડે ત્યારે બાળકીઓનો પોતાની હવસનો શિકાર બનાવી રહ્યા છે. વિકૃત વિચારધારાવાળા લોકોમાં પોલીસનો ડર જાણે ગાયબ થઈ ગયો છે. કદાચ કડકમાં કડક કાર્યવાહી થાય છે અને થતી પણ રહેશે પણ આ નરાધમોનો સભ્ય સમાજમાંથી અંત આવશે. લોકો જઘન્ય કૃત્ય આચનારાને ફાંસી મળે તેવી માંગ કરી રહ્યા છે.

