સમગ્ર એશિયામાં એકમાત્ર સૌરાષ્ટ્રમાં એશિયાટીક સિંહો વસેલા છે પરંતુ, સિંહદર્શનના નામે ગીર જંગલમાં અભ્યારણ્ય પાસે આડેધડ રિસોર્ટ,હોટલ ખડકાઈ ગયા છે અને બીજી તરફ સિંહોને તેમનું ગમતું, પ્રાકૃતિક રહેઠાણ વધવાને બદલે ઘટી રહ્યું હોય અને તેની વસ્તી વધતા તે જંગલ બહાર જવા મજબૂર બની રહ્યાની પ્રકૃતિપ્રેમીઓની ફરિયાદા રજૂઆતોે થતી રહી છે. આ સ્થિતિમાં ગુજરાત હાઈકોર્ટના ઓર્ડર બાદ ધારી, સાવરકુંડલા, ખાંભા, જાફરાબાદ, રાજુલા અને બગસરા તાલુકાના ૧૨૪ ગામોમાં રીસોર્ટ્સ, હોટલ, ફાર્મ હાઉસ સહિતના અનધિકૃત બાંધકામોનો સર્વેનો ધમધમાટ શરૂ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગીરના સિંહોની સંખ્યા 891એ પહોંચી છે પરંતુ, તેમના પ્રાકૃતિક નિવાસ આડેધડ બાંધકામોથી ઘટી રહ્યા છે અને તેમાં વળી, સરકારે આ બાંધકામો નિયમબધ્ધ થઈ શકે તેવા એક પરિપત્રથી પ્રકૃતિપ્રેમીઓમાં નારાજગી પ્રસરી છે. ગીર અભ્યારણ્ય, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, પાણીયા અભ્યારણ્ય અને મિતિયાળા અભ્યારણ્યે ફરતે 10 કિ.મી.ના અંતર સુધીમાં આવેલા વિસ્તારો કે જેને રાજ્યના વન-પર્યાવરણ વિભાગનો તા.1-7-20215નો પરિપત્રથી મુકાયેલા નિયંત્રણો લાગુ પડે છે ત્યાં વન અને મહેસુલ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા સર્વે કરાશે. આ ટીમોમાં (1) જે તે તાલુકાના મામલતદાર (2) સંબંધિત રેન્જ ફોરેસ્ટ ઓફિસર (3) સર્કલ ઓફિસર અને (4) સંબંધિત મહેસુલી તલાટી મંત્રીનો સમાવેશ કરાયો છે અને તેના સુપરવિઝનની જવાબદારી જે તે પ્રાંત ઓફિસરને સોંપાઈ છે. તાલુકાવાઈઝ કૂલ 124 ગામોની સૂચિ પણ જારી કરવામાં આવી છે અને ચકાસણી ટીમને દરેક ગામમાં આવા મંજુરી વગરના તેમજ મંજુરીવાળા સહિત તમામ બાંધકામોમાં વન વિભાગની દરેક જોગવાઈ તથા બીનખેતી હૂકમોની જોગવાઈનો કેટલો ભંગ થાય છે અને તે અંગે શુ પગલા લેવાના રહેશે તેનો લેખિત રિપોર્ટ તેમજ લેવાયેલા પગલા અંગેનો રિપોર્ટ તા. 10-12-2025 સુધીમાં આપવાનો રહેશે. બાંધકામોના સર્વે બાદ પ્રકૃતિ-પ્રાણીઓના હિતમાં તે દૂર કરવાના પગલા લેવાશે કે બાંધકામો ટકી રહે તેવો વહીવટ કે વ્યવસ્થા થશે તેના પર પ્રકૃતિપ્રેમીઓ નજર રાખી રહ્યા છે.

