GUJARAT : ગુજરાતમાં 21 ટકા બાળકો પ્રિ-ડાયાબિટિક, દેશની સરેરાશ કરતાં બમણું પ્રમાણ

0
64
meetarticle

ગુજરાતમાં ડાયાબિટિસના વધતા જતા કેસ ચિંતાનો વિષય બન્યા છે. 3 કરોડથી વધુ વસતીમાં સૌથી વધુ ડાયાબિટિસના દર્દીઓમાં સૌથી વધુ મહિલા દર્દી હોય તેમાં ગુજરાત ચોથા અને પુરુષ દર્દીઓને મામલે પાંચમાં સ્થાને છે. માત્ર વયસ્કો જ નહીં પણ બાળકોમાં પણ ડાયાબિટિસના કેસ વધી રહ્યા છે. હાલ ગુજરાતમાં 10થી 19ની વયજૂથમાં 20.90 ટકા લોકો પ્રિ-ડાયાબિટિક હોવાનું સામે આવ્યું છે.મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન દ્વારા તાજેતરમાં ‘ચિલ્ડ્રન ઇન ઇન્ડિયા 2025’નો અભ્યાસ રજૂ કરવામાં આવ્યો છે. વર્ષ 2016થી 2023 વચ્ચેના આરોગ્ય, પોષણ અને શિક્ષણના આંકડાના આધારે તૈયાર આ અહેવાલમાં ગુજરાતના બાળકો ડાયાબિટીસ માટે સૌથી વધુ સંવેદનશીલ હોવાનું બહાર આવ્યું છે.

આ અહેવાલ અનુસાર ગુજરાતમાં 10થી 19 વર્ષની ઉમરના 2.9 ટકા બાળકો ડાયાબિટીસથી પીડિત છે, જે દેશના સરેરાશ 0.6 ટકા કરતાં પાંચ ગણીથી વધુ છે. આ વયજૂથમાં 20.9 ટકા બાળકો પ્રિ-ડાયાબિટિક કેટેગરીમાં આવે છે. 5થી 9 વર્ષની ઉમરમાં પણ 20.8 ટકા બાળકો પ્રિ-ડાયાબિટિક હોવાનું નોંધાયું છે. આ આંકડા દર્શાવે છે કે નાના બાળકોમાં પણ ડાયાબિટીસની શરૂઆતનું જોખમ ઝડપથી વધી રહ્યું છે.પણ ચોંકાવનારી વિગતો આ અહેવાલમાં સામે આવી છે કે ગુજરાતમાં બાળકોમાં હાઈપરટેન્શન (6.4%), હાઈ કોલેસ્ટરોલ (4.4%), હાઈ ટ્રાયગ્લિસરાઈડ્સ (17.4%) અને લો એચડીએલ (25.4%) જેવી તકલીફો પણ નોંધાઈ છે, જે ડાયાબિટીસ અને હૃદયરોગના જોખમને વધારતા પરિબળો છે.

નિષ્ણાતોના મતે અનિયમિત ખોરાકની ટેવો, વધુ પડતું જંકફૂડ સેવન, કસરતનો અભાવ, સ્ક્રીન ટાઈમમાં વધારો અને બહાર રમવાની સંસ્કૃતિમાં ઘટાડાથી આ પરિસ્થિતિ પેદા થઈ રહી છે. બાળકો મોબાઈલ કરતાં રમતના મેદાન પર પૂરતો સમય આપે તે ખૂબ જરૂરી થઈ ગયું છે. ગુજરાત માટે આ અહેવાલ ચેતવણીરૂપ છે. કેમકે, આજના બાળકોમાં ડાયાબિટિસનું બીજ, આવનારા સમયમાં રાજ્ય માટે આરોગ્યસંકટ રૂપ બની શકે છે.

અમદાવાદીઓ દ્વારા દરરોજ સરેરાશ 25.90 ગ્રામ ખાંડનું સેવન કરવામાં આવે છે. ખાંડનું દરરોજ સૌથી વધુ સેવન કરવામાં મુંબઈ 26.30 ગ્રામ સાથે પ્રથમ સ્થાને, અમદાવાદ બીજા સ્થાને, દિલ્હી 23.20 ગ્રામ સાથે ત્રીજા સ્થાને, બેંગાલુરુ 19-30 ગ્રામ સાથે ચોથા સ્થાને, કોલકાતા 17.10 ગ્રામ સાથે પાંચમાં, ચેન્નાઈ 16.10 ગ્રામ સાથે છઠ્ઠા જ્યારે હૈદરાબાદ 15.50 ગ્રામ સાથે સાતમાં સ્થાને છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here