ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા વર્ષ ૨૦૨૫ દરમિયાન લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ પર કરડી નજર રાખી રેકોર્ડબ્રેક કામગીરી કરવામાં આવી છે. રાજ્યમાં વર્ષ ૨૦૨૫માં કુલ ૨૧૩ ગુનાઓ નોંધી ૧૩ વર્ગ-૧ના અધિકારીઓ સહિત કુલ ૩૧૦ આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ટ્રેપ, ડીકોય અને સત્તાના દુરુપયોગ જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.

ACB દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૨૫માં ૧૭૪ ટ્રેપ અને ૧૯ ડીકોય કરવામાં આવી હતી. આ સમગ્ર વર્ષ દરમિયાન એસીબીએ કુલ રૂ. ૧.૭૨ કરોડથી વધુની લાંચની રકમ પકડી પાડી છે. વિભાગવાર જોતા, સૌથી વધુ ગૃહ વિભાગના ૬૨, મહેસુલ વિભાગના ૩૨ અને પંચાયત વિભાગના ૨૬ ગુનાઓ નોંધાયા છે. આરોપીઓમાં વર્ગ-૧ ના ૧૩, વર્ગ-૨ ના ૩૫, વર્ગ-૩ ના ૧૩૪ અને ૧૨૩ ખાનગી વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
ભ્રષ્ટાચાર સામેની આ લડતમાં એસીબીએ અપ્રમાણસર મિલકત (DA) ધરાવતા તત્વો સામે પણ લાલ આંખ કરી છે. વર્ષ ૨૦૨૫માં કુલ ૧૬ આરોપીઓ વિરૂદ્ધ રૂ. ૧૬.૫૯ કરોડથી વધુની અપ્રમાણસર મિલકતના ગુના દાખલ કરવામાં આવ્યા છે. બ્યુરો દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ પણ સરકારી કર્મચારી કાયદેસરના કામ માટે લાંચની માંગણી કરે, તો તુરંત જ ટોલ ફ્રી નંબર ૧૦૬૪ અથવા વોટ્સએપ નંબર ૯૦૯૯૯-૧૧૦૫૫ પર સંપર્ક કરવો.

