GUJARAT : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા દ્વારાહીરા ઉદ્યોગના રત્નકલાકારો મુદ્દે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખવામાં આવ્યો

0
88
meetarticle

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર મિત્રોના જી.એસ.ટી. સંબંધિત પ્રશ્નોનો જવાબ આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ કેબિનેટ મંત્રી ડૉ. જય નારાયણ વ્યાસે જણાવ્યું હતું કે, સુરત હીરા ઉદ્યોગ માટે માત્ર ગુજરાતનું જ નહીં પણ વિશ્વનું એક મહત્વનું કેન્દ્ર બનીને ઉપસ્યું છે. સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વ બજારમાં વેચાતા લગભગ ૯૦ ટકા હીરા એક યા બીજા સમયે સુરતમાંથી પસાર થાય છે. હીરા અને જવેલરી ઉદ્યોગ થકી સીધી—આડકતરી રીતે સુરતમાં લગભગ ૮ થી ૧૦ લાખ કારીગરો રોજી મેળવે છે. સુરત ખાતેની હીરા ઉદ્યોગની આ પ્રવૃત્તિ છેલ્લા સાડા છ દાયકા કરતાં વધુ સમયથી સતત વિકસતી રહી છે. કોઈપણ ઉદ્યોગ આટલો લાંબો સમય ચાલે એટલે તેમાં ચઢાવઉતાર તો આવવાના જ.


સુરતમાં હીરા ઉદ્યોગ છેલ્લા બે-ત્રણ વર્ષથી મંદીતરફી પ્રવાહોનો શિકાર બન્યો છે. આટલા લાંબા સમયથી ચાલતી કોઈપણ ઔદ્યોગિક કે વેપારી પદ્ધતિ સતત એકધારી પ્રગતિ કરી શકે એવું ન બને. ભૂતકાળમાં પણ સુરતના હીરા ઉદ્યોગે એક યા બીજા કારણોસર ચઢાવઉતાર જોયા છે. ટેકનોલોજી અપગ્રેડેશન હોય, પૂરના પાણી ફરી વળ્યા હોય કે પછી પ્લેગ અથવા કોવિડ જેવી મહામારીનો આતંક હોય, હીરા ઉદ્યોગે અનેક ચડતી પડતી જોઈ છે અને એમાંથી ઊભા થઈને સિદ્ધિના નવા સોપાન સર કર્યા છે. સુરતના હીરા ઉદ્યોગ સાથે ભાવનગર અને અમરેલી જેવા સૌરાષ્ટ્રના તેમજ પાલનપુર અને ડીસા જેવા ઉત્તર ગુજરાતના કારખાના સીધી રીતે જોડાયેલા છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ ત્રણ મોટા પરિબળોને કારણે પડકારોનો સામનો કરી રહ્યો છેઃ
(૧) વૈશ્વિક મંદી અને ધીમી પડતી જતી અર્થ વ્યવસ્થાઃ ફુગાવો અને અમેરિકા, યુરોપિયન યુનિયન તેમજ ચીન જેવા મોટા પાયાના ગ્રાહક દેશોમાં મંદીતરફી વાતાવરણને કારણે હીરા તેમજ ઝવેરાત જેવી લક્ઝરી ખરીદી ઉપર મંદીનું ગ્રહણ લાગ્યું છે. આની સાથોસાથ માંગ ઘટવાને કારણે આ છેડે તૈયાર માલનો પુરવઠો વધી રહ્યો છે. ડીબિયર્સ જેવા રફના મુખ્ય ઉત્પાદકોએ ઉત્પાદનમાં કાપ મૂક્યો છે.
(૨) રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ—ગાઝા—હમાસ જેવા યુદ્ધ: રશિયા—યુક્રેન યુદ્ધ છેલ્લા લગભગ ત્રણ વર્ષથી ચાલે છે. ઓક્ટોબર ૨૦૨૩થી હમાસ-ઇઝરાયેલ યુદ્ધના ભાગરૂપે ગાઝા તેમજ ઈરાનને અસર થતા વૈશ્વિક આર્થિક વૃદ્ધિ જોખમાઇ છે.


(૩) લેબ્રગ્રોન ડાયમંડની કુદરતી હીરા સાથે ઉભી થયેલી હરીફાઈઃ માણસે કુદરતી હીરા જેવા હીરાનું લેબોરેટરીમાં સર્જન કર્યું છે. કુદરતે જે પ્રોસેસ ધરતીના પેટાળમાં કરી તે માણસે લેબોરેટરીમાં કરી હીરાનું ઉત્પાદન કર્યું છે જે કુદરતી હીરાથી સહેજ પણ ઉતરતા નથી. કુદરતી હીરા અથવા લેબ્રગ્રોન હીરા બંને કાર્બનનું જ એક સ્વરૂપ છે, પણ લેબ્રગ્રોન હીરા બનાવવા માટેની લેબોરેટરીમાં ખૂબ ઓછા માણસોની જરૂરિયાત પડતી હોવાથી અને તે કામ જોખમી ન હોવાથી અકસ્માતની સંભાવના શૂન્ય છે. આમ છતાંય લેબ્રગ્રોન હીરાની કિંમત કુદરતી હીરાની સરખામણીમાં ઓછી રહે છે અને હજુ પણ એની સંપૂર્ણ સ્વીકૃતિ નથી થઈ. લેબગ્રોન હીરાના પ્રોસેસમાં પણ કારીગરોની જરૂર તો પડે પણ મજૂરીના દર કેરેટ દીઠ ઓછા હોય છે એટલે કુદરતી હીરામાં કામ કરતાં કારીગરોની સરખામણીમાં લેબ્રગ્રોન હીરામાં કામ કરતો કારીગર ઓછું કમાય છે.
કોવિડ મહામારી બાદ આ ઉદ્યોગ ધીરે ધીરે બેઠો થયો પણ ૨૦૨૧-૨૨ બાદ નિકાસમાં સતત ઘટાડો થતો રહ્યો છે. ૨૦૧૯માં નિકાસ ૫૦ અબજ અમેરિકન ડોલરની હતી તે ૨૦૨૦માં ૪૫ અબજ, ૨૦૨૧માં ૪૦ અબજ, ૨૦૨૨માં ૩૫ અબજ અને ૨૦૨૩માં ઘટીને ૩૦ અબજ અમેરિકન ડોલર જેટલી થવા પામી આમ, હીરાની નિકાસમાં સતત થતો ઘટાડો અને ત્યારબાદ ૨૦૨૪ અને ચાલુ વર્ષ આર્થિક મંદી તેમજ યુકેન-રશિયા યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ-ઈરાન યુદ્ધને કારણે હીરા ઉદ્યોગ સતત કથળતો રહ્યો છે.
આનું સીધું પરિણામ રોજગારી પર આપ્યું છે
મહિને ૨૦ થી ૪૦ હજાર કમાતા હીરાના કારીગરોએ લેઓફ અને નાની શિફ્ટમાં કામ કરવું પડે તેને કારણે તેમની આવક ખૂબ ઘટી છે અને પોતાના કુટુંબનું ભરણપોષણ તેમજ બાળકોના શિક્ષણ વિગેરેની જવાબદારી તેમને ભીંસી રહી છે.
(અ) અહેવાલો મુજબ ૩૦ થી ૫૦ ટકા જેટલો પગારકાપ વેઠવાનો આવ્યો છે.
(બ) સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, ઓરિસ્સા અને યુપીથી આવેલા હીરાના કારીગરો પૂરતું કામ નહીં હોવાને કારણે વતન પાછા જઈ રહ્યા છે.
(ક) ૨૦૦૮ની મંદીમાં કામદારોએ જેવી તીવ્ર મુશ્કેલી વેઠી હતી લગભગ તેવી જ મુશ્કેલી અત્યારે વેઠી રહ્યા છે. કેટલાંક કારખાનાં બંધ થઈ ગયાં છે તો કેટલાંક માંડ માંડ ચાલે છે.
(ડ) સસ્તી જવેલરી તેમજ લેબ્રગ્રોન ડાયમંડના આગમને એનો ભાગ ભજવ્યો છે. કારીગરોને વૈકલ્પિક રોજગારી તો મળી છે પણ રોજગારીના દર ઘણા ઘટી ગયા છે.
(ઈ) સુરતમાં ફૂડ, ટ્રાન્સપોર્ટ, ભાડાના મકાનો ખાલી રહેવા જેવી મંદીલક્ષી પરિસ્થિતિ કારીગરો માટે પડતા પર પાટુ મારવાનું કામ કરી રહી છે.
(ફ) આ કારીગરો એક વખતે પોતાના વતન પાછા જતા રહ્યા પછી સહેલાઈથી પાછા નહીં આવે એટલે પરિસ્થિતિ સુધરે તો કારીગરોની તંગી મોટો ભાગ ભજવશે.
અમેરિકા દ્વારા ટેરીફ : ભારતીય હીરા અને જવેલરી પર ૫૦ ટકા આયાત ડ્યુટી
અમેરિકા ભારતનું ડાયમંડ જવેલરી માટેનું તેમજ પોલીશ્ડ ડાયમંડ માટેનું મોટામાં મોટું બજાર છે. આશરે ૩૫ થી ૪૦ ટકા પોલીશ્ડ ડાયમંડ આ બજારમાં ખપે છે. આ સંયોગોમાં ૫૦ ટકા ટેરીફ (આયાત ડ્યુટી) ભારતીય ડાયમંડ તેમજ જવેલરીને ખૂબ મોંઘા બનાવે છે જેના પરિણામે થાઈલેન્ડ અને વિયેતનામ જેવા દેશો, જેમના ઉપર આયાત ડ્યૂટીના દર નીચા છે તે ફાવી જાય છે. આફ્રિકાના દેશો જ્યાં હીરાની રફનું ઉત્પાદન થાય છે તે હવે સીધા પોલીશ્ડ ડાયમંડના ધંધામાં પણ આવી રહ્યા છે. આમ એક બાજુ ભારતીય હીરા અને જવેલરી માટેનું બજાર સારું એવું સંકોચાઈ રહ્યું છે જેને પરિણામે અમેરિકા તરફથી મળતા ઓર્ડર ઘટી રહ્યા છે, જ્યારે કેટલાક જવેલરી ઉત્પાદકો દ્વારા પોતાનું ઉત્પાદન જે દેશો ઉપર અમેરિકામાં નીચી ડ્યુટી લાગતી હોય ત્યાં પણ ખસેડાઈ રહ્યું છે અને ખસેડાશે. આ માટે જ્યાં સુધી ભારત—અમેરિકા વચ્ચે ટ્રેડ એગ્રીમેન્ટ ન થાય ત્યાં સુધી પરિસ્થિતિ ધૂંધળી રહેશે. ડ્યુટી એક્ઝક્શન ન મળે તો આગામી બે વર્ષમાં અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદકોના હીરા તેમજ જવેલરીની આયાતમાં ૩૦ થી ૪૦ ટકાનો ઘટાડો થશે.
સુરત ડાયમંડ બુર્સ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર ૨૦૨૩માં આ પ્રકલ્પ ‘સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું હતું. પેન્ટાગોન કરતાં પણ મોટું એવું આ વિશ્વનું સૌથી વિશાળ ઓફિસ બિલ્ડિંગ છે જેમાં ૬૭ લાખ ચોરસ ફિટ જેટલો કારપેટ એરિયા ઉપલબ્ધ છે. ભારત ડાયમંડ બુર્સ મુંબઈની માફક અહીંયાથી પણ એક જ જગ્યાએથી બધો વેપાર થાય તેમ જ આંતરરાષ્ટ્રીય ખરીદારો માટે વૈશ્વિક ફલક પર સુરત ડાયમંડ બુર્સ એક મહત્વના કેન્દ્ર તરીકે ઉપસે તે ઉદ્દેશ ફળીભૂત થવા આડે અત્યારે મોટા અવરોધો દેખાય છે. બજારમાં મંદી હોવાને કારણે ઘણી ઓફિસો ખાલી છે અને લગભગ નગણ્ય પ્રવૃત્તિ વિકસી છે. સુરત ડાયમંડ બુર્સના ટીકાકારો કહે છે કે એણે જે આશાઓ ઉભી કરી હતી તે પૂરી કરવામાં નિષ્ફળ ગયો છે.
સુરત ડાયમંડ વર્કર્સ યુનિયનની માંગણીઓ
હાલના સંયોગોમાં જ્યારે રાજ્ય વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે ત્યારે ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રીને આવેદનપત્ર આપી હીરા ઉદ્યોગમાં કામ કરતાં રત્ન કલાકારોના પ્રશ્નોનો વિધાનસભામાં પડઘો પડે તેવી માંગણી કરી છે. તેમણે કરેલી રજૂઆતોના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે:
(૧) હીરાઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદી છે જેની સીધી અસર હીરાઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો ઉપર થઈ રહી છે જેના કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે અને પગાર પણ ઘટીને અડધા થઈ ગયા છે સુરતમાં છેલ્લા બે વર્ષમાં અંદાજે ૭૫ રત્નકલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે
(૨) હજી પરિસ્થિતિ સુધરવાને બદલે વધારે બગડે તેવા સમાચારો સામે આવી રહ્યા છે કેમ કે અમેરિકાએ લગાવેલા ટેરિફની ગંભીર અસર હીરાઉદ્યોગ ઉપર પડશે કેમ કે આપણો તૈયાર હીરાનો સૌથી મોટો ખરીદદાર દેશ અમેરિકા જ છે. જો જાહેરાત મુજબ 50% ટેરિફ લગાવવામાં આવે તો આપણા એક થી બે લાખ રત્નકલાકારો બેરોજગાર બનવાની આશંકા છે.
(૩) ઉપરોક્ત બાબતે કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ અને ગુજરાત સરકારને અનેક વખત રજૂઆતો કરવા છતાં સરકારે રત્નકલાકારોની સતત અવગણના કરી છે. માનનીય મુખ્યમંત્રીશ્રી તથા શ્રમ રોજગાર મંત્રીશ્રીને પણ રૂબરૂ રજૂઆત કરવા છતાં પણ રત્નકલાકારોની વાજબી માંગણીઓની અવગણના થઈ રહી છે જેના કારણે રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે.
(૪) હીરાઉદ્યોગના બેરોજગાર રત્નકલાકારોના બાળકો માટે સરકારે ૧૩૫૦૦/- રૂપિયાની શિક્ષણ ફી ભરવાની જાહેરાત કરી છે જેમાં અંદાજે ૧,૨૦,૦૦૦ (એક લાખ વીસ હજાર) બાળકોના ફોર્મ ભરાયા છે. તેમાં તાત્કાલીક ફી જમા કરવામાં આવે તે ખૂબ જરૂરી છે કેમ કે સ્કૂલોવાળા રત્નકલાકારો પાસેથી ફીની ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે ઉપરોક્ત બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે તે અત્યંત જરૂરી છે.
(૫) હીરાઉદ્યોગના રત્નકલાકારોની નીચે જણાવ્યા મુજબની માંગણીઓ સરકારે તાત્કાલિક સ્વીકાર કરી તેનું નિરાકરણ કરવું જોઈએ એવી માંગણી છે.
(i) રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવો.
(ii) રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો.
(iii) રત્નદિપ યોજના જાહેર કરો.
(iv) વ્યવસાય વેરો નાબૂદ કરો.
(v) મોંઘવારી મુજબ પગાર વધારો કરો.
(vi) આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારોને મદદ કરો.
(vii) હીરાઉદ્યોગમાં મજુર કાયદાનું પાલન કરાવો.
આ સમગ્ર મુદ્દે જ્યાં સુધી કેન્દ્ર સરકાર અમેરિકા સાથે સીધી વાટાઘાટો કરી ટેરીફના મુદ્દે કોઈ સમજૂતી પર ના આવે તો ૫૦ ટકા ટેરીફના કારણે સુરત તેમજ ગુજરાતના હીરા ઉદ્યોગ માટે ટકી રહેવું મુશ્કેલ બનશે. અને જો એવું થશે તો રત્ન કલાકારોના માથે બેરોજગારીનું મોટું સંકટ ઊભું થશે. છેલ્લા બે વર્ષમાં અંદાજે ૭૫ રત્ન કલાકારોએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે ત્યારે હવે મોટા પાયે ઘાતક પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતા જોતા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ધ્યાને આ વાત મૂકી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે આ મોરચે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવી જોઈએ એવી રજૂઆત કરી છે.
કોંગ્રેસની સરકારમાં ૧૯૯૨માં રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવેલું હતું. ત્યારબાદ ભાજપની સરકારે આ બોર્ડ બંધ કરી દીધેલું છે. જ્યારે ૨૦૦૮માં ભાજપની સરકારે રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજનાની જાહેરાત કરી હતી અને મંદીમાં ૧૨૦૦ કરોડ રૂપિયાનો લાભ આપવાની વાત કરેલી પરંતુ હકીકતમાં માત્ર છ જ વ્યક્તિઓને લાભ આપીને ૨૦૧૨માં આ રત્નદીપ કૌશલ્યવર્ધક યોજના સંપૂર્ણ બંધ કરી દીધી હતી. આમ હીરા ઉદ્યોગની સંપૂર્ણ અનદેખી કરવામાં આવી છે.
હીરા ઉદ્યોગમાં કામ કરનારા કારીગરો એ શ્રમિકો છે અને શ્રમિકો પાસેથી ક્યારેય વ્યવસાય વેરો લઈ શકાય નહીં, આમ છતાં ભારતીય જનતા પાર્ટીની સરકાર શ્રમિકો પાસેથી વ્યવસાય વેરો લઈ રહી છે.
કોંગ્રેસ પક્ષ માંગણી કરે છે કે, (૧) જી—૭ના દેશોને સ્પષ્ટ રીતે પોતાનો એ નિર્ણય પરત ખેંચવા ભારત સરકાર મજબૂર બનાવે કે ભારતમાં બનેલો હીરો રશિયાની રફનો છે કે કઈ રફનો છે તે જોયા વગર તેમના દેશોમાં ખરીદી થઈ શકે. (૨) જે રત્નકલાકાર કારીગરોએ આત્મહત્યા કરી છે તેમના પરિવારને આર્થિક સહાય તરત જ આપવામાં આવે. (૩) વ્યવસાય વેરો જે રત્ન કલાકાર કારીગરો પાસેથી લેવામાં આવે છે તેને તાત્કાલિક બંધ કરવામાં આવે. (૪) રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે અને જેમાં કામદારના પ્રતિનિધિઓ, કારખાનેદારના પ્રતિનિધિઓ તથા જન પ્રતિનિધિઓનો સમાવેશ કરી માતબર રકમ રત્નકલાકાર કલ્યાણ બોર્ડને ફાળવવામાં આવે. (૫) રત્નકલાકાર કારીગરોની નોંધણી કરવામાં આવે અને એમને મળવાપાત્ર ગ્રેજ્યુઈટી તથા અન્ય સુવિધાઓ અંગેની સરકાર દ્વારા ચિંતા કરવામાં આવે.
આ બધા જ મુદ્દે વિસ્તૃત વિગતો સહ દેશનાં પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરાવવા વિનંતી કરી છે.
પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ અને પ્રવક્તા ડૉ. હિરેન બેંકર ઉપસ્થિત રહ્યાં હતાં.

હેમાંગ રાવલ, મીડિયા કોકન્વીનર અને પ્રવક્તા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here