ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત મહત્વાકાંક્ષી કાર્યક્રમ ‘આપણી સરહદ ઓળખો’નું કચ્છ અને બનાસકાંઠાની આંતરરાષ્ટ્રીય સરહદો પર સફળતાપૂર્વક આયોજન થયું. આ કાર્યક્રમ થકી સમગ્ર ગુજરાતના યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રસેવાની ભાવના વધુ મજબૂત બની છે.

સમગ્ર ગુજરાતના 29 જિલ્લાઓમાંથી પસંદ કરાયેલા 100 યુવક-યુવતીઓએ 10 દિવસના આ પ્રવાસમાં ભાગ લીધો હતો. આ શિબિરાર્થીઓએ કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદોની ભૌગોલિક સ્થિતિ, સરહદની સુરક્ષામાં ફરજ બજાવતા વીર જવાનોના જીવન-કાર્યો અને કચ્છના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો.
જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ-કચેરી, ભુજ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને રાષ્ટ્રની સરહદો, પુરાતત્વીય વારસો, કચ્છી સંસ્કૃતિ, જીવનશૈલી અને કલા-કસબ વિશે વિસ્તૃત માહિતી આપીને રાષ્ટ્રની સુરક્ષા અને સેવા માટે પ્રેરણા આપવાનો હતો.
શિબિરાર્થીઓએ કચ્છ અને બનાસકાંઠાના કુલ 22 જેટલાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી, જેમાં આ મુજબ મુખ્ય સ્થળોનો સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારો ખરદોઈ પોસ્ટ આંતરરાષ્ટ્રીય બોર્ડર, ધોરડો સફેદ રણ, જખૌ પોર્ટ અને નડાબેટ સીમા દર્શન (સુઈ ગામ, બનાસકાંઠા). ધોળાવીરા, કાળો ડુંગર, લખપત ફોર્ટ, માતાના મઢ, નારાયણ સરોવર-કોટેશ્વર.
સાંસ્કૃતિક અને દેશભક્તિનો અનુભવ યુવાનોને કચ્છની સમૃદ્ધ લોકકલા, સંગીત, નૃત્ય, પરંપરાઓનું માર્ગદર્શન મળ્યું. તેઓએ કચ્છી ભરત ગુંથણ, લાકડાંની કોતરણી અને માટીકામ જેવી આગવી કલા-કસબ વિશે જાણકારી મેળવી હતી. આ કાર્યક્રમનું સૌથી પ્રેરક પાસું એ રહ્યું કે યુવાનોને આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરજ બજાવતા વીર જવાનોના જીવન, કાર્યો અને રાષ્ટ્રની સુરક્ષા માટેના તેમના બલિદાન વિશે માહિતી આપવામાં આવી, જેનાથી યુવાનોમાં દેશભક્તિ અને રાષ્ટ્ર સેવા માટેની પ્રેરણા વધુ પ્રબળ બની.
આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશીબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ પ્રાંત યુવા વિકાસ અધિકારી નરસિંહભાઈ ગાગલ, સિનિયર ક્લાર્ક યોગેશભાઈ આચાર્ય, અને કો-ઓર્ડીનેટર દેવેનસિંહ વાળા દ્વારા સફળતાપૂર્વક સંચાલિત થયો હતો. ઇન્સ્ટ્રક્ટરશ્રીઓ રામજીભાઈ મેરિયા, સતીશભાઈ પાંડે, અરવિંદ પડાલિયા, કિશોરભાઈ હેડાઉ, રશીદભાઈ સમા અને શાંતીબેન સોલંકીની ટીમે શિબિરાર્થીઓને દરેક સ્થળની વિસ્તૃત જાણકારી અને માહિતી પૂરી પાડીને કાર્યક્રમને વ્યવસ્થિત રીતે પાર પાડ્યો હતો.
આ 10 દિવસના પ્રવાસનું સમાપન નડાબેટ ખાતે કરવામાં આવ્યું હતું, જેણે યુવાનોને રાષ્ટ્રની સરહદો, સાંસ્કૃતિક મૂલ્યો અને વીર જવાનોના યોગદાન વિશે પ્રત્યક્ષ અનુભવ આપીને તેમને વધુ જાગૃત અને જવાબદાર નાગરિક બનવા માટેનું એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું.

