ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે નડિયાદ જેલમાંથી પોલીસ જાપ્તાને ચક્મો આપીને નાસી છૂટેલા કુખ્યાત આંતરરાજ્ય આરોપી મહંમદ સમશેર સમસુદ્દીન શાહ (ઉ.વ. ૫૩, રહે. બિહાર) ને તેના વતનમાંથી ઝડપી પાડ્યો છે. મહંમદ સમશેર નડિયાદ જિલ્લા જેલ ખાતેનો કાચા કામનો આરોપી હતો. અમદાવાદની કોર્ટ મુદ્દત દરમિયાન, આરોપીએ પોલીસના કૈદી જાપ્તાના માણસોને ભોજન કરતી વખતે છાશમાં કેફી પ્રદાર્થ ભેળવીને બેભાન કરી દીધા હતા અને બાદમાં ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને કોર્ટે તેનું ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું હતું.

SMC ટીમને માહિતી મળી હતી કે આરોપી બિહારના સહરસા જિલ્લાના મહીસી તાલુકાના ભેલાહી ખાતે પોતાના ઘરે છે. આ માહિતીના આધારે SMCએ તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી મહંમદ સમશેરને હસ્તગત કરી તેની કાયદેસરની ધરપકડ કરી હતી. હવે તેને વધુ કાર્યવાહી માટે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આરોપી મહંમદ સમશેર શાહનો ગુનાહિત ઇતિહાસ ઘણો મોટો છે. તેના વિરુદ્ધ ગુજરાત રાજ્યમાં ખૂન, લૂંટ અને ચોરી સહિતના ૦૩ ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યમાં તેના વિરુદ્ધ ૦૪ થી વધુ ગુનાઓ દાખલ થયેલા છે. આરોપીની મુખ્ય મોડસ ઓપરેન્ડી એ છે કે તે કોઈપણ પીણામાં કેફી પ્રદાર્થ ભેળવીને લોકોને બેભાન કરી લૂંટ અને ચોરી કરવાની ટેવવાળો છે.

