ગુજરાતમાં રીતસર ભાઇગીરીનું કલ્ચર શરૂ થઈ ગયું લાગે છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થાના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. તેમા ગુજસીટોકના કુખ્યાત આરોપી આશિષ ચીકના લાજપોર જેલમાંથી બહાર આવ્યો તો તેને લેવા માટે જેલની બહાર જે પ્રકારે તેના સમર્થકોનું ટોળું તેનું સ્વાગત કરવા ઊભું હતું તે જાણે બતાવતું હતું કે કોઈ ગુનેગાર નહીં પણ જાણે કોઈ સમાજસેવક કે રાજકીય આગેવાન જેલની બહાર આવ્યો હોય.આશ્ચર્યની વાત એ છે કે જેલનો કર્મચારી પણ આશિષ ચીકનાના સ્વાગતના પ્રભાવમાં આવી ગયો હતો અને તેણે ચીકના સાથે હાથ મિલાવ્યા હતા.

તેના પછી બ્લેક કારના મોટા કાફલા સાથે તેનો રોડ શો કાઢવામાં આવ્યો હતો. તેનો વિડીયો વાઇરલ થતા આખુ સુરત હવે ચર્ચા કરી રહ્યુ છે. રાજકીય આગેવાનોના તો રોડ શો થતાં હતા, હવે શું ભાઈઓનો રોડ શો થશે.આ બ્લેક કારોના કાફલાને જોઈએ તો એમ લાગે કે જાણે કોઈ ધારાસભ્ય કે મંત્રીનો કાફલો નીકળ્યો છે. આશિષ ચીકના જેવો જેલમાંથી બહાર આવ્યો કે તેને તેના સમર્થકોનું ટોળું પગે લાગ્યું હતું અને જાણે સાઉથની ફિલ્મમાં કોઈ મોટા ચમરબંધીની બ્લેક કારોનો કાફલો નીકળતો હોય તે રીતે તેનો કાફલો નીકળ્યો હતો. આમ ગુજરાતમાં હવે ભાઇગીરી ચાલશે.પહેલા તો આરોપી જેલમાંથી નીકળતો ત્યારે મોઢું છૂપાવીને નીકળતો. તે ગુનાથી જાણે લાજતો હતો, કાયદાનો ડર રહેતો હતો. હવે તો ગુનેગારો જાણે સુરતમાં બેફામ બની ગયા છે. શું આ જ સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે. સુરતની કાયદો અને વ્યવસ્થા જેલની અંદર અને પોલીસ સ્ટેશનની અંદર સુધી જ સીમિત થઈ ગઈ છે.પહેલા પોલીસ ગુનેગારોના સરઘસ કાઢતી હતી, હવે ગુનેગારો જાતે જ પોતાના સરઘસ આ રીતે કાઢે છે. કાયદાની જાણે ઐસી કી તૈસીનો માહોલ છે. સુરતમાં હવે કાયદો અને વ્યવસ્થા નહીં પણ આ પ્રકારની ભાઇગીરી અને લુખ્ખાગીરી જ ચાલશે તેવા સંકેતો આ બનાવે આપ્યા છે.
REPORTER : સુનિલ ગાંજાવાલા
