ગોધરા તાલુકાના આંગણિયા ગામે મોડી રાત્રે ચોરીના ઇરાદે ઘરમાં ઘૂસેલા બે અજાણ્યા ઇસમોએ એક આધેડ મહિલાની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આંગણિયા ગામના 50 વર્ષીય સવિતાબેન દેવસિંગ રાઠવા નામના મહિલાના ઘરમાં મોડી રાત્રિના સમયે બે અજાણ્યા ઇસમો ચોરીના ઇરાદે પ્રવેશ્યા હતા. આ દરમિયાન મહિલા જાગી જતાં ચોર ઇસમોએ તેમના પર હુમલો કર્યો હતો. મહિલાના પુત્રના જણાવ્યા મુજબ, ઇસમોએ સવિતાબેનના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં જ તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આ હત્યાના મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ચોરી અને હત્યાના આ બનાવને ગંભીરતાથી લઈ અજાણ્યા ઇસમોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

