GUJARAT : ગોધરા નજીક ગમખ્વાર અકસ્માત: લગ્નમાં જતા વડોદરાના પરિવારની કાર રેલિંગ કૂદી, 5 લોકો હવામાં ફંગોળાયા

0
37
meetarticle

પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક સંતરોડ પાસે આવેલા ભથવાડા ટોલનાકા આગળ આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહેલા વડોદરાના એક પરિવારને આ અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં બેઠેલા પાંચ લોકો કારમાંથી ઉછળીને હાઇવેની સાઈડમાં આવેલી રેલિંગ કૂદીને બહાર ફંગોળાયા હતા.

આ બનાવની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. કારમાંથી બહાર ફેંકાયેલા પાંચેય લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હોવાથી તમામને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના આજવા રોડ ઉપર આવેલી A/12 ઓમકાર સોસાયટીમાં રહેતો શાહ પરિવાર આજે વહેલી સવારે વડોદરાથી મધ્યપ્રદેશના શિહોર ગામ ખાતે લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યો હતો. ત્યારે તેઓની કાર અચાનક રોડ પરથી કાબૂ ગુમાવતા રેલિંગ કૂદીને સાઈડમાં ફંગોળાઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર નિધિ શાહ, સંગીતા શાહ, કરણ શાહ, અમીશા શાહ અને કોકિલા શાહ એમ પાંચેય લોકો બહાર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા ઇજાગ્રસ્તોને ફરજ પરના ડોક્ટરે તાત્કાલિક સારવાર આપી હતી. જોકે, પાંચેય ઇજાગ્રસ્તોને શરીરના ભાગે ગંભીર ફેક્ચર અને ઈજાઓ ગંભીર પહોંચતાં તમામને વધુ સારવાર માટે વડોદરા ખાતે આવેલી SSG હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here