ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં નજીવી તકરારે ઘાતક સ્વરૂપ ધારણ કર્યું હતું. પાનોલીના ગુરુવારી માર્કેટ નજીક રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર થયેલી બોલાચાલીમાં એક ૨૨ વર્ષીય યુવાનની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવાનની ઓળખ અંકલેશ્વર તાલુકાના આલુંજ ગામના દેવળ ફળિયામાં રહેતા પિયુષ રમેશ વસાવા તરીકે થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગતરોજ રાત્રે પિયુષ તેના મિત્રો સાથે પાનોલી ગુરુવારી માર્કેટમાં ગયો હતો. આ દરમિયાન રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પિયુષનો જ ગામનો યુવાન હિતેશ ઉર્ફે લાલુ હિરાચંદ વસાવા તેને મળ્યો હતો. પિયુષે હિતેશને તેના ઘરે ન આવવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન આરોપી હિતેશ ઉર્ફે લાલુ વસાવાએ પિયુષને જોરથી ધક્કો માર્યો હતો, જેના કારણે પિયુષ રોડ પર પટકાયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.
ગંભીર રીતે ઘવાયેલા પિયુષને તાત્કાલિક સારવાર માટે ખરોડની વેલ્ફેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ બનાવ અંગે પાનોલી પોલીસે આરોપી હિતેશ ઉર્ફે લાલુ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.

