ઘોઘા પંથકમાં બપોર સુધી ઉઘાડ બાદ ધોધમાર સવા ઈંચ અને પાલિતાણામાં પોણો ઈંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યો હતો.

ઘોઘામાં આજે બપોરના બે વાગ્યા બાદ આકાશમાં ગોરંભાયેલા વાદળો ધોધમાર વરસવાનું શરૂ કરતા સાંજના છ વાગ્યા સુધીમાં સવા ઈંચ પાણી પડી ગયું હતું. પાલિતાણામાં ૧૬ મિ.મી. વરસાદ વરસ્યો હતો. સિહોરમાં સાંજે ઝાપટું વરસ્યું હતું. તો ભાવનગરમાં અચાનક જ વાતાવરણમાં આવેલા પલટા વચ્ચે પવન સાથે વરસાદનું જોરદાર ઝાપટું વરસ્યું હતું.
લાખણકા ડેમ વિસ્તારમાં પાંચ મિ.મી. વરસાદ થયો હતો. શેત્રુંજી ડેમમાં પાણીની આવક-જાવક ઘટીને ૧૮૦ ક્યુસેક થતાં આઠ દરવાજા બંધ કરી દેવાયા છે. હાલ શેત્રુંજીના બે દરવાજા એક ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. રજાવળ ડેમમાં ૧૬૮, ખારોમાં ૪૨, માલણમાં ૨૯૯, પીંગળીમાં ૨૧૨, બગડમાં ૧૦૯૪ અને રોજકીમાં ૬૯૦ ક્યુસેક પાણીની આવક-જાવક શરૂ હોવાનું સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

