GUJARAT : ચલાલી ગામે મૃતક પુત્રની જન્મતિથિની ઉજવણી વેળાએ હિંસક જૂથ અથડામણ

0
12
meetarticle

નડિયાદ તાલુકાના ચલાલી ગામના નવાપુરા વિસ્તારમાં રાત્રે એક પરિવાર દ્વારા તેમના મૃતક પુત્રની જન્મતિથિની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ પ્રસંગે ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે પડોશમાં રહેતા શખ્સો સાથે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બંને પક્ષો દ્વારા લાકડાના ડંડા, લોખંડની પાઇપ અને ધારિયા જેવા જીવલેણ હથિયારો વડે એકબીજા પર હુમલો કરવામાં આવતા અફડાતફડી મચી ગઈ હતી. આ અથડામણમાં મહિલાઓ સહિત બંને પક્ષના અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.બનાવની વિગતો મુજબ, ચલાલી ગામના નવાપુરામાં રહેતા કમલેશભાઈ તળપદાના પુત્ર આદિત્યનું ૨૦૨૧માં અવસાન થયું હતું. રવિવારે આદિત્યની જન્મતિથિ હોવાથી પરિવારના સભ્યો રાત્રે ૯ વાગ્યાના અરસામાં ઘરમાં કેક કાપીને તેની યાદમાં ઉજવણી કરી રહ્યાં હતા. આ સમયે પરિવારની મહિલાઓ ઘર પાસે બેસીને વાતો કરતી હતી કે, જો ફટાકડા લાવ્યા હોત તો વધુ સારું લાગત. આ વાત પડોશમાં રહેતા અશોકભાઈ તળપદાએ સાંભળી જતા તેમણે અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું, જે બાદમાં લોહિયાળ જંગમાં ફેરવાઈ ગઈ હતી.

કમલેશભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, અશોકભાઈએ અપશબ્દો આપતા તેમને સમજાવવા ગયેલા પરિવારજનો પર અશોકભાઈના પિતા માધાભાઈ, રમેશભાઈ, જગદીશભાઈ સહિતના સાત લોકોએ ટોળું વળીને હુમલો કર્યોે હતો. શખ્સો લાકડાના ડંડા અને લોખંડની પાઇપ લઈને તૂટી પડયા હતા. જેમાં અંજલીબેન અને કમળાબેનને માથામાં ગંભીર ઇજા થઈ હતી, જ્યારે હિતેશભાઈ અને પ્રવીણભાઈને પણ લોખંડની પાઇપ વાગતા લોહીલુહાણ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સામા પક્ષે અશોકભાઈ તળપદાએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ ડેરીએથી દૂધ લઈને પરત ફરી રહ્યાં હતા ત્યારે ગીતાબેન નામના મહિલાએ તેમને જોઈને ફટાકડા ફોડવા અંગે કટાક્ષ કર્યો હતો. આ બાબતે પૂછપરછ કરતા કમલેશભાઈ, હિતેશભાઈ અને મહેન્દ્રભાઈ સહિતના આઠ લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. અશોકભાઈના જણાવ્યા અનુસાર, મહેન્દ્રભાઈએ ધારિયા વડે તેમના માથામાં ઘા કર્યોે હતો, જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી. અશોકભાઈના પક્ષના અન્ય સભ્યો જેવા કે રમેશભાઈ અને જગદીશભાઈને પણ ધારિયા અને લાકડાના ડંડા વડે માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તેમના માતા ઈચ્છાબેનને પણ હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી. આ પક્ષના ઇજાગ્રસ્તોને પણ સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંને પક્ષોએ એકબીજા સામે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપો પણ કર્યા છે.

નડિયાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ ઇજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર કર્યા બાદ હિતેશભાઈ, પ્રવીણભાઈ, અંજલીબેન અને કમળાબેનની સ્થિતિ ગંભીર જણાતા તેઓને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ચકલાસી પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને પક્ષોની રજૂઆતો સાંભળીને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ચકલાસી પોલીસે આ મામલે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ ૧૫ જેટલા શખ્સો સામે રાયોટિંગ, ગંભીર ઇજા પહોંચાડવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here