આમોદની સંસ્કાર વિદ્યાલયના પરિસરમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા અઢી લાખ (૨.૫ લાખ) ના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

શાળાના આચાર્યા વૈશાલી મોદીએ ચોમાસા દરમિયાન પટાંગણમાં પાણી ભરાવાને કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓને થતી અવરજવરની મુશ્કેલી અંગે ધારાસભ્યને રજૂઆત કરી હતી, જેના નિરાકરણ સ્વરૂપે આ રોડને મંજૂરી મળી છે. રોડનું ખાતમુહૂર્ત થતા શિક્ષકગણમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ કોન્ટ્રાક્ટરને ગુણવત્તાયુક્ત કામ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમને શિક્ષણની સાથે વિશેષ કૌશલ્યો મેળવી આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ધારાસભ્યએ શાળાના વર્ગખંડોની પણ મુલાકાત લીધી હતી.
આ ખાતમુહૂર્ત વિધિમાં આમોદ શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી ભાવિક પટેલ અને આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકા પરમાર સહિતના ભાજપના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
