કવાંટ તાલુકાના વજેપુર ગામની એક સગર્ભા મહિલાને દિવસેનેદિવસે વધતા ડિલિવરીના દુખાવો થતા પરિવારજનો દ્વારા તારીખ 22 નવેમ્બરે 108 એમ્બ્યુલન્સની મદદ માગવામાં આવી હતી. એમ્બ્યુલન્સમાં ફરજ પર રહેલા EMT રાકેશભાઈ ખીમજીભાઈ રાઠવા અને પાયલોટ મનીષભાઈ રાઠવા મહિલાની તપાસ કરતાં જાણવા મળ્યું કે તેઓને જુડવા બાળકો છે અને સાથે બ્રિચ પ્રેઝન્ટેશન હોવાથી પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની હતી.

મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ રવાના થઈ હતી પરંતુ રસ્તામાં જ મહિલાને તીવ્ર પીડા વધી જતા ઈમરજન્સી ડિલિવરી કરવાની ફરજ પડી. બ્રિચ પ્રેઝન્ટેશનના કારણે માતા અને બંને નવજાતના જીવનને જોખમ હતો, છતાં 108ની ટીમે પોતાની કુશળતા, શાંતિપૂર્ણ અભિગમ અને એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરીને એંબ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમદાવાદ સ્થિત ERCPના ડૉ. રમણિક સર દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેના કારણે માતા અને બંને નવજાતનું જીવન બચાવી શકાયું. ડિલિવરી બાદ તુરંત જ માતા અને બંને નવજાતને જરૂરી પ્રાથમિક સારવાર આપી તથા તેમના હાલતમાં સુધારો દેખાતા તેમને PHC પનાવડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.
પરિવારજનો દ્વારા 108 એમ્બ્યુલન્સની સેવાઓ અને સ્ટાફની કુશળ કામગીરી બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
રીપોર્ટર : અંજુમ ખત્રી છોટાઉદેપુર

