GUJARAT : છોટા ઉદેપુરની ઢોકલીયા હોસ્પિટલમાં કૌભાંડ: મૃત અને વિદેશી ટ્રસ્ટીઓના નામે કરોડોની ઉચાપત, ભાજપ નેતા સામે ગુનો દાખલ

0
35
meetarticle

છોટા ઉદેપુરની બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલના પ્રમુખ, મંત્રી અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ બોડેલી પોલીસ સ્ટેશનમાં ગંભીર છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં હોસ્પિટલના ટ્રસ્ટીઓએ મૃત્યુ પામેલા અને વિદેશી નાગરિકતા ધરાવતા વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે ચાલુ રાખીને કરોડો રૂપિયાની નાણાંકીય ઉચાપત આચરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

મૃત ટ્રસ્ટીઓના નામે ખોટા ઠરાવો કરી ગુનો આચર્યો

મળતી માહિતી મુજબ, બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા આચરવામાં આવતા ગુના અંગે બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, મૃત્યુ પામેલા વ્યક્તિઓને વર્ષો સુધી ટ્રસ્ટી તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે. મૃત ટ્રસ્ટીઓના નામની ખોટી સહી કરીને ઠરાવોને ખરા તરીકે ઉપયોગમાં લઈ ગુનો આચરવામાં આવ્યો છે. એક ટ્રસ્ટીએ દેશની નાગરિકતા છોડી દીધી હોવા છતાં તે ટ્રસ્ટી તરીકે ચાલું રહી ખોટા ઠરાવો કરે છે.

આ સિવાય ફરિયાદમાં ટ્રસ્ટ સામે નાણાંકીય ગેરરીતિનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં ટ્રસ્ટની જમીનોનું ગેરકાયદે વેચાણ અને ભાડા વગેરેના ઠરાવમાં ખોટી સહી કરીને મોટા પ્રમાણમાં નાણાંની ઉચાપત કરી વિશ્વાસઘાત કરાયો છે.

કરોડોની સંપત્તિનો વિવાદ

આ કેસમાં હોસ્પિટલના પ્રમુખ અને પૂર્વ સરપંચ તેમજ ભાજપના દિગ્ગજ નેતા કંચન પટેલ મુખ્ય આરોપી છે. કંચન પટેલ અગાઉ પણ ભક્ત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બોગસ દસ્તાવેજો બનાવવા બાબતે ફરિયાદમાં આરોપી હતી. જોકે, હોસ્પિટલમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ થયા બાદથી આરોપી કંચન પટેલ ફરાર છે અને આ અગાઉ પણ ત્રણ મહિના ફરાર રહી ચૂક્યા હતા. કંચન પટેલ કરોડોની સંપત્તિના માલિક છે અને તેમના પરિવારના સભ્યો અમેરિકાની નાગરિકતા ધરાવે છે

પોલીસે હાથ ધરી તપાસ

બોડેલી પોલીસે કંચન પટેલ, રજનીકાંત ગાંધી, ઈશ્વર ઠક્કર, બાબુલાલ પટેલ, શાંતિલાલ પટેલ તેમજ અન્ય એક અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા આગળની તપાસ અને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here