જંબુસર તાલુકાના કાવા ગામની નવી વસાહતમાં રહેતા એક ૫૦ વર્ષીય આધેડે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનાને પગલે વસાહત અને પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે.

મળતી વિગતો મુજબ, કાવા ગામની નવી વસાહતના રહેવાસી જીતુભાઈ રાઠોડ (ઉં.વ. ૫૦) એ પોતાના મકાનમાં કોઈ અકળ કારણોસર ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. જંબુસર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને નીચે ઉતારી તેનો કબજો મેળવ્યો હતો.
પોલીસે મૃતકના મૃતદેહને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલ જંબુસર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી, આધેડે કયા સંજોગોમાં અને કયા કારણસર આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
