જંબુસર તાલુકાની આશાવર્કર અને આશા ફેસિલિટેટર બહેનોએ ગતરોજ તેમની વિવિધ માંગણીઓ સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. આશાવર્કર બહેનોએ ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરવા અને ફિક્સ પગારની માંગ કરી છે.
લગભગ 250 જેટલી આશાવર્કર બહેનોએ સૂત્રોચ્ચાર સાથે તાલુકા પંચાયત કચેરીએ પહોંચીને પ્રતિનિધિ વિસ્તરણ અધિકારી ફિરોજભાઈ પટેલને આવેદનપત્ર આપ્યું. તેમની મુખ્ય માંગણીઓમાં ઓનલાઇન કામગીરીનો બોજ ઘટાડવો, ઇન્સેન્ટિવ પ્રથાને બદલે ફિક્સ પગાર લાગુ કરવો, કાયમી કર્મચારી તરીકેનો દરજ્જો આપવો અને કામના કલાકો નક્કી કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આશાવર્કર બહેનોએ જણાવ્યું કે તેમનું મહેનતાણું ખેતમજૂરો કરતાં પણ ઓછું છે અને તે ટુકડે-ટુકડે ચૂકવવામાં આવે છે, જેના કારણે તેમનું જીવન મુશ્કેલ બની રહ્યું છે. તેમણે ઓનલાઇન કામગીરી માટે કોઈ તાલીમ ન અપાઈ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આવેદનપત્રની નકલ પ્રાંત કચેરી, મામલતદાર કચેરી અને તાલુકા હેલ્થ ઓફિસમાં પણ આપવામાં આવી હતી.

