જંબુસર તાલુકાના ડાભા, ગજેરા, અણખી, દેવકુઈ અને સારોદ સહિતના વિસ્તારોમાં દશેરાના દિવસે શરૂ થયેલા ૫૦થી વધુ ઇંટ ભઠ્ઠાઓના સંચાલકોને દિવાળીમાં વરસેલા કમોસમી વરસાદે ચિંતામાં મૂક્યા છે. ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ભઠ્ઠાઓમાં પાણી ભરાતાં કાચી ઇંટો મોટા પાયે પલળી ગઈ છે.

આ નુકસાનના કારણે ચાલુ વર્ષે ઇંટોનું ઉત્પાદન ૧૫ દિવસ મોડું શરૂ થશે અને ઉત્પાદન ઓછું થવાની સંભાવના છે. બજારમાં માગ સામે પુરવઠો ઓછો રહેવાના કારણે હાલમાં ₹૫/- પ્રતિ ઇંટનો ભાવ વધીને ₹૬/- સુધી પહોંચી શકે છે, જેની સીધી અસર બાંધકામ ક્ષેત્ર પર પડશે.
ભઠ્ઠા સંચાલકોને આર્થિક નુકસાન થતાં અગ્રણી વેપારી વલ્લભભાઈ રોહિતે સરકાર પાસે આર્થિક સહાય તેમજ જીએસટી અને રોયલ્ટીમાં રાહત આપવાની માંગણી કરી છે.
