જંબુસર તાલુકાના કારેલી, પીલુદરા, વેડચ, ગજેરા અને કહાનવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદ (માવઠા) ને કારણે ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.

કપાસનો પાક પલળી ગયો છે, તુવેરના છોડ પર આવેલાં ફૂલો ખરી પડ્યાં છે, જ્યારે કાપણી માટે તૈયાર થયેલા ડાંગરના પાકની ગુણવત્તા બગડી છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની આજીવિકા પર ગંભીર અસર પડી છે.
પીલુદરાના સરપંચ બળવંતસિંહ રાઠોડે ધારાસભ્ય સહિતના આગેવાનોને રજૂઆત કરી છે અને માંગ કરી છે કે, સંલગ્ન અધિકારીઓ તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરે અને ખેડૂતોને ઝડપથી વળતર ચૂકવવામાં આવે, જેથી ગત વર્ષની જેમ વિલંબના કારણે ખેડૂતોની મુશ્કેલી ન વધે.
