જંબુસર તાલુકાના નોબાર ગામ નજીક એક છોટા હાથી ટેમ્પો પલ્ટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પામાં સવાર ૧૨થી વધુ દેવીપૂજક પરિવારના સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મળતી માહિતી મુજબ, સારોદ ગામેથી આશરે ૧૫થી ૨૦ ભાઈઓ-બહેનો અને બાળકો કાઠીયાવાડમાં ખેત મજૂરી માટે જઈ રહ્યા હતા. નોબાર નજીક ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો રોડની બાજુમાં પલટી ગયો હતો.
અકસ્માતની જાણ થતાં જ જંબુસર પોલીસ અને પાંચ જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત ભાજપના આગેવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તોના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. પોલીસે અકસ્માતની વધુ તપાસ શરૂ કરી છે.

