GUJARAT : જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત કેદ : ભોગ બનનારને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવા આદેશ

0
14
meetarticle

જામનગર શહેરમાં એક અત્યંત ઘૃણાસ્પદ કિસ્સામાં ન્યાયતંત્રએ કડક વલણ દાખવ્યું છે. જામનગરમાં પાંચ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ફોટા વાયરલ કરવાની અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવનાર આરોપીને સ્પેશિયલ પોક્સો અદાલતે આકરી સજા ફટકારી છે, જ્યારે ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.

સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે, આરોપી પ્રફુલ કાંતીલાલ જાદવે એક મધ્યમ વર્ગીય પરિવારની પાંચ વર્ષની સગીર વયની માસૂમ દીકરીને પોતાના પાશવી ઈરાદાઓનો શિકાર બનાવી હતી. આ નરાધમે કાયદાનો કે સમાજનો રતીભર પણ ડર રાખ્યા વિના સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેણે સગીરાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની અને જો તે તાબે નહિ થાય તો તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપી હતી. આ ભયના ઓથાર હેઠળ દબાયેલી સગીરાને આરોપીએ પોતાના ઘરે બોલાવી હતી અને તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.

આ જઘન્ય અપરાધ અંગે ભોગ બનનારના પરિવારે હિંમત દાખવીને જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 376 (1), 376(2)(એન) તથા પોક્સો એક્ટની કલમ 4 અને 8 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

આ સંવેદનશીલ કેસની સુનાવણી જામનગરની સ્પેશિયલ પોક્સો અદાલતમાં હાથ ધરવામાં આવી હતી, જ્યાં સરકાર પક્ષે કેસને મજબૂત બનાવવા માટે ભોગ બનનાર પીડિતા, તેના વાલીઓ અને મેડિકલ ઓફિસરની જુબાની સહિત કુલ 22 જેટલા મહત્વપૂર્ણ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા, જેણે આરોપીના ગુનાને સાબિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલએ દલીલો કરતા કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, હાલના સમયમાં વિકૃત માનસિકતા ધરાવતા તત્વો દ્વારા સગીર બાળાઓને નિશાન બનાવવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. તેમણે કોર્ટ સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે, જ્યારે કોઈ આરોપી માસૂમ બાળાના માનસપટલ પર ભય ઉભો કરી તેની જિંદગી બરબાદ કરે છે, ત્યારે તેને કાયદાનું ભાન કરાવવું અત્યંત આવશ્યક છે. સમાજમાં આવા તત્વોને મોકળું મેદાન ન મળે અને કાયદાનો ધાક બેસે તે હેતુથી આરોપીને કાયદામાં જોગવાઈ મુજબની મહત્તમ સજા થવી જોઈએ તેવી સરકારી વકીલની દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.

તમામ દલીલો, સબળ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને ધ્યાનમાં રાખીને જામનગરની સ્પેશિયલ પોક્સો અદાલતના ન્યાયાધીશ આર.પી.મોગેરાએ આરોપી પ્રફુલ કાંતીલાલ જાદવને તકસીરવાન ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, ઉપરાંત, આરોપીને રૂપિયા 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને જો તે દંડ ન ભરે તો વધુ 6 મહિનાની સાદી કેદનો હુકમ કર્યો છે. ઉપરાંત ભોગ બનનારને વળતર પેટે રૂપિયા ચાર લાખ ચૂકવવાનો હુકમ કર્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here